સુરતઃ શહેરના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારના રોજ વાલીઓ મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. વેસુ વિસ્તારમાં આવેલી એલ.પી.સવાણી શાળાના સંચાલકો દ્વારા ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. શાળા સંચાલકો એક્ટિવિટીઝ અને વધારાની ફીની માંગણી કરતા હોવાનો આરોપ વાલીઓએ કર્યા હતા.
શાળા સંચાલકો સામે આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન એપ્લિકેશન વાલીઓને જાણ કર્યા વિના જ બંધ કરી દેવામાં આવી છે. એક્ટિવિટીઝ સહિત અલગ-અલગ ફીની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ પણ ફી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ઉઘરાવી શકશે નહીં. તેમ છતાં એલ.પી.સવાણી શાળાના સંચાલકો દ્વારા મોટી ફીની માંગણી કરવામાં આવી રહી છે. જેથી વાલીઓ ફી ભરવા તૈયાર ન થતા ઓનલાઈન એજ્યુકેશન બાળકોનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારી આ મામલે મધ્યસ્થિ કરી સમસ્યાનો હલ લાવે તેવી વાલીઓએ માંગ છે.