- બારડોલીના સ્વરાજ આશ્રમનું નવનિર્માણ
- હેરિટેજ અને પ્રવાસનને મળશે પ્રોત્સાહન
- ગુજરાત સરકારે ફાળવી રૂપિયા 18.60 કરોડની રકમ
સુરત: બારડોલીના સ્વરાજ આશ્રમની આજે કાયાપલટ થઈ રહી છે. સુરત પાસે આવેલું બારડોલી સરદાર વલ્લભભાઇ પટેલના સ્મૃતિ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. બારડોલી સ્વરાજ આશ્રમના પ્રધાન નિરંજનાબેન કલાર્થીએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "બારડોલી સત્યાગ્રહ થયો ત્યારથી સ્વરાજ આશ્રમ બારડોલી એ સરદાર પટેલના નિવાસનું મુખ્યમથક બન્યું હતું. તેમણે બનાવેલા સરદાર નિવાસની જાળવણી માટે તે વખતે 7 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી હતી. જેથી તેમના નિવાસની જાળવણીનો ભાર આશ્રમ પર ન પડે. તેઓ ખૂબ જ આગવી દીર્ઘદર્ષ્ટિ ધરાવતા હતા."
ચાલી રહી છે કાયાપલટ
સરદાર પટેલનો વારસો આજે પણ બારડોલી સ્વરાજ આશ્રમમાં સચવાયેલો છે. આઝાદીની લડતનો આ ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે બારડોલી સ્વરાજ આશ્રમમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે. બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, અમદાવાદ, બારડોલી અને દાંડીને હેરિટેજ સર્કિટ સાથે જોડવામાં આવ્યુ હતું. જે અંતર્ગત બારડોલીમાં પણ હેરિટેજ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર સરકાર દ્વારા સ્વરાજ આશ્રમની કાયાપલટ ચાલી રહી છે.
સરદારના નિધન બાદ આશ્રમની પ્રવૃત્તિઓ
બારડોલી સ્વરાજ આશ્રમના મંત્રી નિરંજનાબેન કલાર્થી આગળ વાત કરતાં જણાવે છે કે સરદાર તેમની હયાતીમાં 23 એકર જમીન તેમજ સરદાર ભવન, આશ્રમનું કાર્યાલય, ખાદીભંડારનું મકાન, કાર્યકર્તા નિવાસી, વણકર નિવાસ તથા આશ્રમનું રસોડુ મૂકી ગયા હતા. તેમના નિધન બાદ આશ્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી, જેમાં સરદાર કન્યા વિદ્યાલય, ખાદી ઉત્પાદનની બધી જ ક્રિયાઓ જેવી કે પૂણી, કાંતણ અને વણાટથી વેચાણ સુધીની બધી વ્યવસ્થા, હાથકાગળ તથા સ્ટેશનરીનો ઉદ્યોગ, અખાદ્ય તેલમાંથી સાબુ બનાવવાનો ઉદ્યોગ, ચરખા-રીપેર તથા ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ, ગ્રામ પંચાયતને સફળ બનાવવા તલાટી કમમંત્રી તાલીમ વર્ગ, બાલમંદિર, સરદાર મ્યુઝિયમ, ગ્રામોદ્યોગ વસ્તુઓના વેચાણની પ્રદર્શિત વ્યવસ્થા, કુદરતી ઉપચાર અને સંશોધન કેન્દ્ર અને આશ્રમ ગૌશાળા. જો કે હાલ આમાંથી કેટલીક પ્રવૃત્તિઓ બંધ પડી છે.
ઘર છોડીને સ્વરાજ માટે નીકળેલા લોકો માટેનું આશ્રયસ્થાન
નિરંજનાબેને ઉમેર્યુ કે સ્વરાજ આશ્રમ બારડોલી સત્યાગ્રહની લડતમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું હતું. સરદાર સાહેબે સ્વરાજ આશ્રમને વધુ જમીન ખરીદીને રચનાત્મક કાર્યોથી ધમધમતું કેન્દ્ર બનાવ્યું. જેથી દરેક સ્વતંત્ર સંગ્રામને સમર્પિત કાર્યકરો, ગ્રામોત્થાન માટેના રચનાત્મક કાર્યોમાં પણ પોતાનો સમય આપી શકે. ઘરબાર છોડીને સ્વરાજ માટે નીકળેલા લોકોનું એ રહેઠાણ હતું આથી તેનું નામ સ્વરાજ આશ્રમ પડ્યું હતું.
સરકારે કાયાપલટ માટે ફાળવી રૂપિયા 18.60 કરોડની રકમ
સ્વરાજ આશ્રમના પ્રમુખ અને સહકારી અગ્રણી ભિખાભાઈ ઝેડ. પટેલ જણાવે છે કે, સમગ્ર દેશમાં સરદારે સ્થાપેલો એકમાત્ર આશ્રમ એટલે બારડોલીનો સ્વરાજ આશ્રમ. ગુજરાત સરકારે આશ્રમના વિકાસ માટે રૂપિયા 18.60 કરોડની રકમ ફાળવી છે. જેનું હાલ પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. 3 થી 4 મહિનામાં પહેલા તબક્કાનું કામ પૂર્ણ થશે. હાલમાં સરદાર પટેલ દ્વારા બનાવવામાં આવેલી ઇમારતોનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ઓડિટોરિયમનું કામ પણ ચાલી રહ્યું છે. સ્વરાજ આશ્રમની તમામ મિલકતોની જાળવણી કરવાનું કામ અહીં થઈ રહ્યું છે. આશ્રમનો વિકાસ થવાથી અનેક લોકો અહીં આવતા થશે. સરદાર પટેલની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. જેને પગલે આગામી પેઢી સરદાર પટેલના કામોથી અવગત થશેે.