- સુરતમાં રેસ્ટોરાંના માલિકે કોરોનાના દર્દીઓને ખવડાવ્યા ઢોંસા
- પુત્રીના જન્મદિવસ નિમિત્ત કોરોનાના દર્દીઓને ખવડાવ્યા ઢોંસા
- કોવિડ સેન્ટરની બહાર કારીગરોએ ઢોંસા બનાવ્યા હતા
સુરત: રેસ્ટોરાંના માલિક પિતાએ પોતાની પુત્રીનો 18મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો. પિતાએ 200 કોરોના દર્દીઓને ફેન્સી ઢોસા ખવડાવીને પુત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી. ગરમાગરમ ઢોંસા બનાવડાવી દર્દીઓને આપવામાં આવ્યા હતા, જેથી દર્દીઓને પારિવારિક અનુભૂતિ થઈ હતી.
આ પણ વાંચોઃ સુરતમાં દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સનું આયોજન
શહેરના અલ્થાન વિસ્તારમાં આવેલા કોવિડ આઈસોલેશન સેન્ટરમાં એક રેસ્ટોરાંના માલિકે પુત્રીના જન્મદિવસની ખાસ વ્યવસ્થા કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરાંના માલિક અરવિંદ મકવાણાની પુત્રી મૈત્રીનો મંગળવારે 18મો જન્મદિવસ હતો. મૈત્રી ધોરણ 12માં ભણે છે. પુત્રીના આ જન્મદિવસને ખાસ બનાવવા માટે અને કોરોનાથી સંક્રમિત થઈ રહેલા લોકોને એક સારો અનુભવ થાય તે હેતુથી આઈસોલેશન સેન્ટરમાં દાખલ દર્દીઓ માટે સ્વાદિષ્ટ ઢોંસા ખવડાવવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4,500 રૂપિયા કરાયા
200 જેટલા કોવિડ દર્દીઓને ફેન્સી ઢોંસા જમાડવામાં આવ્યા
આઈસોલેશન સેન્ટરની બહાર અરવિંદ મકવાણા પોતાના કારીગરો સગડી અને રો મટિરીયલ લઈ પહોંચી ગયા હતા. કોવિડ સેન્ટર પાસે જ ફેન્સી ઢોંસા બનાવ્યા અને 200 જેટલા કોવિડ દર્દીઓને ખવડાવ્યા હતા. અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, આઈસોલેશન સેન્ટરમાં લોકો સાદું ભોજન ખાઈને કંટાળી ગયા હોય છે. દર્દીને ઘર જેવા વાતાવરણનો અનુભવ કરાવવા માટે ડોસા જમાડવામાં આવ્યા હતા.