- તરૂણીઓને મોંઘીદાટ ગિફ્ટ આપીને પ્રેમજાળમાં ફસાવતો હતો આરોપી જીતુ
- દુષ્કર્મ આચરી ફરાર થનારો રત્નકલાકાર જીતુ ઝડપાયો
- જીતુ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીને થઈ ગયો હતો ફરાર
- રત્નકલાકારને સુરત SOGએ ઝડપી લીધો
સુરત : તરૂણીઓને મોંઘીદાટ ગિફ્ટ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયેલા જીતુ નામના રત્નકલાકારને સુરત SOGએ ઝડપી લીધો છે. આ ઝડપાયેલો રત્નકલાકાર જીતુ સુરતમાં દુષ્કર્મ આચારવાના કેસમાં જામીન પર છૂટી પહેલા લોકડાઉનમાં વતનમાં મામાના ઘરે સાવરકુંડલા ગયો હતો. ત્યારે જીતુએ એક તરુણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
શું છે સમગ્ર ઘટના
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે, તેની 14 વર્ષીય પુત્રીને એક યુવાને હાથમાં વીંટી પહેરાવી તે સમયના ફોટા મોબાઈલ ફોનમાં મિત્ર પાસે પડાવ્યા હતા. જે બાદ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી તરુણીને ધમકાવી તેની સાથે સાવરકુંડલાના કોઈ ગામમાં અને સુરત શહેરમાં આવેલી એક સોસાયટીમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે વરાછા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ માટે સાવરકુંડલા પોલીસને મોકલી હતી. જો કે, તરુણી તે યુવાનનું આખું નામ અને કઈ જ્ઞાતિનો છે, તે પણ જાણતી ન હોવાથી અને તરુણીને અવારનવાર સુરતમાં લાવ્યો હોવાથી સુરતમાં છૂપાયો હોવાની શક્યતાના આધારે સુરત SOGએ તેની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન બાતમીના આધારે SOGની ટીમે રત્નકલાકાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે જીતુ જોખમ સોમાભાઈ રાઠોડને કાપોદ્રા ગાયત્રી સોસાયટી પાસેથી ઝડપી લીધો હતો.
આ પહેલા પણ તરુણીને ગર્ભવતી બનાવી હતી
સુરત SOGની પુછપરછમાં જીતુએ પહેલા લોકડાઉનમાં વતનમાં મામાના ઘરે સાવરકુંડલા ગયો હતો, ત્યારે તેણે ત્યાંની તરુણીને શિકાર બનાવી હોવાની કબૂલાત કરી હતી. જીતુ તરૂણીઓને મોંઘીદાટ ગિફ્ટ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ફરાર થઈ જતો હોવાનો ખુલાસો પણ સુરત SOGની તપાસમાં થયો હતો.
ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ મળ્યા હતા જામીન
જીતુએ વર્ષ 2014માં સુરતમાં એક તરુણીને મોંઘીદાટ ગિફ્ટ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીને ફરાર થઈ ગયો હતો. જે ગુનામાં બે વર્ષ પોલીસથી બચતો રહ્યો હતો. જે બાદ વર્ષ 2016માં પકડાયો હતો. જીતુ ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. વર્ષ 2019માં જેલમાંથી જામીન પર છૂટીને ફરી સાવરકુંડલાની તરુણીને શિકાર બનાવી હતી. દરેક તરુણી સમક્ષ તે પોતાની સંપૂર્ણ ઓળખ ક્યારેય છતી કરતો ન હતો. હાલ પોલીસે જીતુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.