સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ કે જ્યાં ઘટના બની હતી, તે જ સ્થળે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાવીસ મૃતકોના પરિવારઓ હાજર રહ્યા હતા. જ્યાં આશરે એક હજારની જનમેદની ઉપસ્થિત રહી હતી અને મૃતક વિધાર્થીઓની આત્માને શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં બાવીસ મૃતક વિધાર્થીઓની તસવીરો પર પુષ્પ ચઢાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે પરિવારે પોતાના વ્હાલસોયા દીકરા-દીકરી ગુમાવ્યા તે માતા-પિતા પણ આ શોક પ્રસંગમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં માતા-પિતાની આંખો અશ્રુભીની જોવા મળી હતી.
પોતાના પરિવારનો ચિરાગ ગુમાવવાનું એક પરિવારને કેટલું દુઃખ થયું છે તેની કાર્યક્રમમાં હાજર રહેલા માતા-પિતાની આંખોમાંથી નીકળતા અશ્રુ સાબિતી પુરી પાડે છે. આ ઘટનાથી સમગ્ર રાજ્ય અને દેશભરના લોકો હચમચી ઉઠ્યા છે ત્યારે મૃતક પરિવાર પ્રત્યે સંવેદના દાખવવા અન્ય લોકો પણ દુઃખમાં સહભાગી બન્યા હતા. જ્યાં હાજર લોકોએ મહાઆરતી વેળાએ પોતાના મોબાઈલ ટોર્ચથી આરતી કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.