સુરત: સુરતમાં સમુહ લગ્નમાં LRD મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાને સમર્થન આપવા લગ્નના મંડપ પર સરકારના જીઆરને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. ત્યાં જ આંદોલન કરી રહેલી બહેનોને તન, મન અને ધનથી મદદ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સાથે જ જો મહિલાની માંગણી નહીં સ્વિકારાય તો આગામી ચુંટણીમાં સરકારને નિર્ણય ભારે પડે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ગાંધીનગરની ઉપવાસ છાવણીમાં છેલ્લા બે મહિનાથી પોતાની માંગણીઓ સાથે ઉપવાસ કરી રહેલી લોક રક્ષક દળની પરીક્ષા પાસ કરી ચુકેલી મહિલાઓ માટે રવિવારનો દિવસ મહત્વનો હતો. કારણ કે શરૂઆતમાં તેમની માંગણીઓ અંગે સરકાર કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતી, પરતું સમગ્ર રાજ્યભરમાં થયેલા વિરોધ બાદ સરકારે કમિટી બનાવી વિવાદનો ઉકેલ લાવવા માટે બેઠકો શરુ કરી હતી. આ બેઠકો દરમિયાન પણ રાજ્યમાં અલગ અલગ સ્થળો પર દેખાવો થયા હતાં. અલગ રીતે વિરોધ કરવા માટે જાણીતા સુરતમાં પણ સમૂહ લગ્નમાં ઓબીસી સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો.
શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજનાં 17માં સમૂહ લગ્નમાં લોક રક્ષક દળ મુદ્દે ઉપવાસ પર બેઠેલી મહિલાઓને સમર્થન આપવામાં આવ્યું હતું. અહીં સ્ટેજ ઉપર અને લગ્ન મંડપ પર સરકારના જીઆરને રદ્દ કરવાની માંગણી કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો બીજી બાજુ તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.
સમૂહ લગ્નમાં સરકાર પરિપત્ર પાછો ખેંચે તેવી માંગણી કરવામાં આવી હતી. સાથે જ મહિલાઓને સમર્થન આપવા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજનાં 17માં સમૂહ લગ્નમાં એક તરફ લોક રક્ષક દળના સરકારના જીઆરનો વિરોધ કરતા બેનરો લાગ્યા હતા. મહત્વનું છે કે એક તરફ સુરતના સમૂહ લગ્નમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યાં જ બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, જૂના પરિપત્રને ધ્યાનમાં લેવાશે નહીં. સાથે જ 1 ઓગસ્ટ 2018ના પરિપત્રની જોગવાઈ ધ્યાનમાં લેવાશે નહીં, જે ઉમેદવારે 62.5 ટકા માર્ક્સ મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકારે 2150 બેઠકનો વધારો કરી 5,227 બેઠક કરી આ નિર્ણય કર્યો છે. ત્યારે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની મહિલાઓએ ચીમકી આપી હતી કે જો સરકારે યોગ્ય નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં તેને ભોગવવું પડી શકે છે, ખાસ કરીને ચુંટણીમાં સરકારને નુકસાન થઇ શકે છે.
જોકે સરકાર હાલ કોઈ જોખમ લેવા માંગતી નથી. કારણ કે આગામી દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે કોઈ બખેડો ઉભો ન થાય તેને કારણે કોઈ પણ ભોગે આંદોલન પૂર્ણ થાય તે સરકાર માટે જરૂરી છે. ત્યારે હવે જોવાનું એ છે કે સરકારનો નિર્ણયને સ્વિકારવામાં આવે છે કે નહીં.