સુરત: નિસર્ગ વાવાઝોડાનું સંકટ દક્ષિણ ગુજરાત માથે મંડરાઈ રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાત પરથી પસાર થશે. નિસર્ગ વાવાઝોડાનો પ્રભાવ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. પવનની ગતિ સવારે પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપ હતી. તે વધીને 22 કિલોમીટરની પ્રતિ કલાકની થઈ છે. આગામી કલાકોમાં પવનની ગતિમાં વધારો થશે.
નિસર્ગ વાવાઝોડા સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં લાંબા સમય બાદ આ રીતે પવનની ગતિમાં વધારો જોવા મળશે. તમામ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરાઈ છે. ઘરે રહી ઘરના બારી અને દરવાજા બંધ રાખવા લોકોને અપીલ કરી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં નહીં જવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. તેમજ કાચા મકાનમાં રહેતા લોકોને પાલિકાના શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે.