- સેન્ટરમાં ડ્રાયફ્રૂટના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ
- ટ્રેનર પીપીઈ કીટ પહેરીને દર્દીઓને યોગગરબા કરાવ્યા
સુરત : સમગ્ર વિશ્વમાં કોરોનાના લઇને લોકો હતાશા અનુભવી રહ્યાં છે. ત્યારે આવા સમયે હકારાત્મક વાતાવરણ ઉભુ કરાયાના કેટલાક દ્રશ્યો અલથાણના અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં સવારે જોવા મળી રહ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓ ધ્યાન સાથે યોગગરબાના તાલે ઝૂમી રહ્યાં છે.
ટ્રેનર દ્વારા તૈયાર કરેલા યોગ સાથે ગરબાની પ્રેક્ટિસ દર્દીઓને કરાવામાં આવી રહી છે. એક તાળી , બે તાળી અને ત્રણ તાળી ગરબા તેમજ અર્વાચીન ગરબા અને હિંચ ગરબા વગેરેનું કોમ્બિનેશન કરીને તેમને ગરબાની અલગ-અલગ મુવમેન્ટ સેટ કરવામાં આવી છે. ટ્રેનર પીપીઈ કીટ પહેરીને દર્દીઓને યોગગરબાના અલગ અલગ મુવ્સ અને ધ્યાન કરાવે છે.
આજે 87 દર્દીઓ, 21 વોર્ડબોય, 12 નર્સ અને 6 ડોકટરોની સાથે પણ જોડાયા હતા. સેન્ટરમાં ડ્રાયફ્રૂટના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં દર્દીઓને સવારે ધ્યાન અને યોગ ગરબા કરાવવામાં આવી રહ્યાં છે.
ઈન્ચાર્જ કૈલાશ સોલંકીએ કહ્યું કે, કોરોનાના ભયથી દર્દીઓ મુક્ત થાય અને તેમનામાં સકારાત્મક ઊર્જા આવે એ માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને દર્દીઓ જલ્દીથી કોરોનાને માત આપી શકે.
ઈન્ડિયન એકેડમી ઓફ ગરબા અને ડોઢિયાના અનિષ રંગરેજે કહ્યું કે, અમે કોવિડ ગરબા ફીટનેસ માટે ઈનવેન્ટ કર્યા હતા, પરંતુ ડોકટરો સાથે મળીને કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ પેશન્ટ માટે સ્પેશિયલ પ્રોટોકોલ બનાવ્યો છે. જેથી તેમનો સ્ટ્રેસ ઓછો કરી શકાય અને તેમની ઈમ્યુનિટી વધારી શકાય અને પોઝિટીવીટી વધારી શકાય. કોવિડ પ્રોટોકોલમાં અલગ અલગ આસન, ધ્યાન અને યોગા કરાવાઈ રહ્યાં છે.