- સુરતના ઉધનામાં એપાર્ટમેન્ટ ધરાશાયી થયું
- લક્ષ્મી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો
- જોકે લોકો નીચે ઉતરી જતાં કોઇ જાનહાનિ નથી થઈ
સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં દાગીનાનગર પાસે લક્ષ્મી એપાર્ટમેન્ટની જર્જરીત ઈમારતમાં આજે સવારે ઘર નંબર.142-143ની ગેલેરી કિચન સહિત અચાનક આજે સવારે નવ વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ ગયાં હતાં. ધરાશાયી થવાનો અંદાજ આવતાં જ એપાર્ટમેન્ટમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતાં. જેથી જાનહાનિ થઇ ન હતી. ઉધના ઝોન ઓફિસનાં કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ હવે સુરત મહાનગરપાલિકામાં ઝોનની સંખ્યા વધીને કેટલી થશે જાણો
લક્ષ્મી એપાર્ટમેન્ટના ઘર નંબર 142નાં માલિક કિશોરીબેન સકરીયાએ જણાવ્યું હતું કે અમારું આ એપાર્ટમેન્ટ ખૂબ જ જૂનું છે. અમે થોડા દિવસ પહેલા આ એપાર્ટમેન્ટમાં રીનોવેશન કરવાની મીટીંગ પણ કરી હતી. અમને સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન ઓફિસ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે તે સમયે અમે પાલિકાને એમ કહ્યું હતું અમે બધા મળીને આ એપાર્ટમેન્ટનું રીનોવેશન કરાવીશું. પાલિકાની વાત પણ સાચી જ હતી. લક્ષ્મી એપાર્ટમેન્ટ ખૂબ જ જર્જરિત થઇ ગયું છે. ગમે ત્યારે આ પડી શકે છે. અને આજે મારું ઘર અને બાજુવાળાનાં ઘરનું અડધો કિચન એકાએક ધરાશાયી થઈ ગયાં હતાં. હાલ અમે પાલિકા પાસે સમય માગીને એપાર્ટમેન્ટ ખાલી કરી દઈશું.
કાટમાળ હટાવવાની કામગીરી શરુ
ઉધના ઝોન ઓફિસ દ્વારા જણાવાયું હતું કે લક્ષ્મી એપાર્ટમેન્ટને આ પહેલાં નોટિસ આપવામાં આવી હતી કે તમારું એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું છે. આનું તમે રીનોવેશન કરાવો કાં તો એપાર્ટમેન્ટ ખાલી કરી દો. ખાલી કરવામાં આવે ત્યારે ઉધના ઝોન ઓફિસમાં જાણ કરવા પણ કહ્યું હતું અને રીનોવેશન કરાવો તો પણ જાણ કરવાની હતી. આ જર્જરિત એપાર્ટમેન્ટમાં ગમે ત્યારે એપાર્ટમેન્ટનો કોઈપણ ભાગ પડી શકે છે. અને આજે આ કિચન સહિત સ્લેબ પડવાનો બનાવ બન્યો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પાલિકાની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં 5 કરોડનો તૈયાર થયો મેયર બંગલો