સુરતઃ સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. તેઓને સમાજ સેવા માટે પદ્મશ્રીથી (Padm Shri Savji Dholkiya) સન્માનિત કરાયાં. સવજીભાઈ 11,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની હરિક્રિષ્ના એક્સપોર્ટના (Harikrishna Export Owner Savjibhai Dholakia) માલિક છે. તેઓએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
સવાલ : તમે સંઘર્ષમય જીવન પસાર કર્યું છે. તમારી પરિસ્થિતિ કેવી હતી ?
જવાબ : હું એક શોધમાં નીકળ્યો હતો. માતા અને પિતાની ઈચ્છા હતી કે હું ગામમાં ન રહું. તેઓએ ધક્કો મારીને મને ઘરેથી કાઢી શહેરમાં મોકલ્યો હતો. દર વર્ષે હું પરત ગામડે માતાપિતા પાસે ચાલી જતો હતો અને માતા મને ફરીથી ભાવૂક કરીને શહેર મોકલતી હતી જેથી હું શહેરમાં રહું. પછી વિચાર્યું કે માતાનું સપનું છે કે ધનવાન બનવું, પૈસાવાળો બનું, મારું નામ થાય. આજે મને સંતોષ છે કે હું ધનિક તો થઈ ગયો છું. આજે નામ પણ થઇ ગયું છે અને આજે માતા સૌથી વધુ ખુશ છે. માતાનું સપનું પૂર્ણ કરવા માટે નાનપણથી જ મગજમાં બેસાડી દીધું હતું કે શું કરવું છે. કુદરતે તક આપી કે હું માતાનું સપનું પૂર્ણ કરી શકું.
આ પણ વાંચોઃ જુઓ બગસરાના ગોલ્ડન વિલેજ ગામની ઝલક...
સવાલ : મંદી હોય કે તેજીનો, તમે પોતાના કર્મચારીઓની કાળજી લો છો. લોકો તમને દિલદાર બોસ કહે છે ?
જવાબ : હું ખૂબ જ વિચારીને કહું છું કે આ મારી હોબી છે. હું માનું છું કે આ લોકો મારા કર્મચારી નહીં, પરંતુ શેરહોલ્ડર છે, મારા દીકરાઓ છે. હું એમને પરિવારની જેમ રાખું છું. તેઓ મને પિતાની જેમ રાખે છે. જે રીતે બાળકો પિતા માટે દિલથી કામ કરે છે તે જ રીતે આ લોકો મારી માટે કામ કરતા હોય છે. અમે દિલથી કમાઈએ છીએ અને દિલથી આપીએ છીએ. આની પાછળ કોઈ લોજિક નથી. પ્રેમ આપીએ છે, પૈસા આપીએ છીએ તો રિટર્નમાં પણ પ્રેમ અને પૈસા મળતા હોય છે. તેમના માતાપિતાના આશીર્વાદ મળે છે અને સફળતા પણ સરળ થઈ જાય છે. પ્રેમ કરવાની શરૂઆત કરી દો તો બધું જ મળી શકે છે. મેં પ્રેક્ટિકલી મારા જીવનમાં જોયું છે.
સવાલ : પદ્મશ્રીને લઈને આપ શું કહેશો ?
જવાબ : હું મારા સ્વભાવ મુજબ જ કાર્ય કરતો હતો. પોતાની જવાબદારી સમજીને કાર્ય કરું છું. હું એક ઉદ્યોગપતિ છું. પ્રકૃતિને બચાવવા માટે અને તેની કાળજી લેવી એ આપણી જવાબદારી છે એમ માનીને ગામડાંઓમાં નાનાં નાનાં કામો કરતો આવ્યો છું. 40 વર્ષ પહેલાં વતન છોડીને હું સુરત આવ્યો હતો. હું જાણું છું કે નાના ગામડાંઓમાં પાણીની સમસ્યા ખૂબ હોય છે અને એ વધતી જઈ રહી હતી. વિચાર્યું કે આ માટે હું શું કરી શકું. મારો વેપાર ખુબ જ સરસ રીતે ચાલી રહ્યો છે. પરિવાર પણ મારા વ્યવસાયને સારી રીતે ચલાવી રહ્યો છે. મારી જવાબદારી માત્ર એડવાઈઝર તરીકે છે. છેલ્લા પાંચ વર્ષથી હું સૌરાષ્ટ્ર વિસ્તારમાં માત્ર લોકોને પાણી મળી રહે આ માટે કાર્યરત રહ્યો છું. પોતાની ખુશી માટે કરી રહ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે આપણી સરકાર આટલા મોટા એવોર્ડથી મને સન્માનિત કરશે. રાષ્ટ્ર માટે અને સમાજ માટે હંમેશા આભારી રહીશ. લાગણી માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી. મને લાગે છે કે પદ્મશ્રી આપીને દેશે મને મોટી જવાબદારી આપી છે. આ સન્માન માટેે ખુશી તો છે જ, પણ મોટી જવાબદારી પણ છે. હાલ મારી ઉંમર 58 વર્ષ છે. મારું સપનું છે કે હું 100 વર્ષ સુધી જીવિત રહું અને રાષ્ટ્ર માટે વધુ 40 વર્ષ કામ કરું.
આ પણ વાંચોઃ ડ્રાઈવર્સ બન્યા રત્ન કલાકાર, આવકમાં થયો 2થી 3 ગણો વધારો
સવાલ : સૌરાષ્ટ્રના ગામડાંઓમાં જે પ્રોજેક્ટ આપના દ્વારા કરવામાં આવ્યો છે તે શું છે?
જવાબ : અમારા ગામમાં 35 કિલોમીટર સુધી દૂરથી નદી આવે છે. પાણી દરિયામાં ચાલ્યું જાય છે. ઢાળના કારણે પાણી ઝડપથી દરિયામાં ચાલ્યું જતું હોય છે. આ પાણીને રોકવા માટે કોઈ બંદોબસ્ત નહોતો. પાણી તો વધારે આવતું હતું, પણ તેને રોકવા માટે કોઈ ઉપાય નહોતો. નદીના બંને કાંઠે બંજર જમીન હતી. મોટો ડેમ બનાવી શકતાં નહોતાં. ખેતરમાં પાણી જતું હતું. જેથી અમે નદીના બંને કિનારે પાળા બનાવી દીધાં. નદીને ઊંડી કરી તળાવ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું. લોકોના સપોર્ટથી કામ શરૂ કર્યું, લોકોએ અમને સપોર્ટ આપ્યો. આજે જ્યારે તમે ત્યાં જશો તો જોશો કે 50 જેટલા ગામોને પાણીની કોઈ અછત નથી. સૌથી મોટું કામ લાઠી તાલુકામાં થયું છે. જ્યાં 11 કિલોમીટર સુધી પાણી ભરાયું છે. બંને સાઇડ ગ્રીનરી છે. વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. કોઈને પણ લાગશે નહીં કે આ ક્યારેક વેરાન જગ્યા હતી. તેને અમે નંદનવન બનાવી દીધી છે. ત્યાં પક્ષીઓ જોવા મળશે. લોકોની ખુશી પણ જોઈ શકાશે. આ બધું જોઇને રુવાડાં ઉભાં થઇ જાય છે કે આપણાથી આટલું બધું કામ થઈ ગયું છે. બધા ખુશ છે. લોકોની આવક પણ વધી છે, ખર્ચ પણ ઓછો થયો છે. લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. આ વિસ્તારમાં દર વર્ષે 500 કરોડ જેટલો નફો થતો હતો જે હાલ વધી ગયો છે.