- સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી ઘટના
- સુરતના ફેફસા સુદાનની હવામાં શ્વાસ ભરશે
- સુરત હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે
સુરત: 23 વર્ષીય પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયાના પરિવારે ડોનેટ લાઈફ (Donate Life)ના માધ્યમથી પોતાના વ્હાલસોયા દિકરાના હૃદય (Heart), ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન (Donation of eyes) કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતની યુનિટી હૉસ્પિટલ (Surat Unity Hospital)થી અમદાવાદનું 276 કિ.મીનું અંતર 110 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ (Heart transplant) ભુજની રહેવાસી 29 વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હૉસ્પિટલ (SIMS Hospital, Ahmedabad)માં કરવામાં આવ્યું.
કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો
ચેન્નઈ (Chennai)નું 1610 કિ.મી.નું અંતર 210 મિનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ (Lung transplant) સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલ (MGM Hospital Chennai)માં કરવામાં આવ્યું. શ્રી દર્શન રોહાઉસ, કરડવા ગામ, ડીંડોલી મુકામે રહેતો અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ તારીખ 7 નવેમ્બરના રોજ મુંબઈથી પોતાના મિત્રો સાથે મોટરકારમાં સુરત આવી રહ્યો હતો, ત્યારે ચારોટી પાસે ટાયર ફાટતા મોટરકાર ડીવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો
પ્રયાગને કાસામાં આવેલી સબ ડિસ્ટ્રિકટ હૉસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હૉસ્પીટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હૉસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા MRI કરાવતા મગજમાં લકવાની અસર જણાતા તારીખ 14 નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનિયોટોમી કરી મગજનો સોજો દુર કર્યો હતો.
અંગદાન ઈશ્વરીય કાર્ય
સોમવાર, તારીખ 15 નવેમ્બરના રોજ યુનિટી હૉસ્પિટલના ડૉક્ટરોએ પ્રયાગને બ્રેઇનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હૉસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પ્રયાગના પિતા હંસરાજભાઈ અને માતા રમાબેને જણાવ્યું કે, બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે, અમારો દિકરો બ્રેઇનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે. પ્રયાગનો ભાઈ સાવન T.Y B.Com માં અભ્યાસ કરે છે.
બીજી કિડની અને હૃદય અમદાવાદની સીમ્સ હૉસ્પિટલને ફાળવવામાં આવ્યું
SOTTO દ્વારા લિવર અમદાવાદની IKDRCને, એક કિડની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બીજી કિડની અને હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હૉસ્પિટલોમાં B+ve બ્લડ ગ્રૂપનું કોઈ ભારતીય દર્દી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર ના હોવાને કારણે NOTTO દ્વારા ફેફસાની ફાળવણી ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકને કરવામાં આવી હતી.
યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 35 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી 30 વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હૉસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી 36 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી 29 વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં આવ્યું છે.
સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અલગ ઓળખ ઉભી કરી
ગુજરાતમાંથી હૃદયદાનની બાવનમી અને ફેફસાના દાનની પંદરમી ઘટના છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આડત્રીસ હૃદય દાન અને 12 જોડ ફેફસા દાન કરવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન અને સુદાનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હૉસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
ઓર્ગન કૉમર્શિયલ કે ચાર્ટર વિમાન મારફતે મોકલવામાં આવ્યા
હ્રદય, ફેફસા, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. નોંધનીય છે કે હૃદય અને ફેફસા સમયસર સુરતથી હવાઈમાર્ગે દેશના જુદા-જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેરમાં 50મો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દેશમાં સુરત માત્ર એક એવું શહેર છે કે જ્યાંથી 38 હૃદય અને 12 જોડ ફેફસા દેશના જુદા-જુદા શહેરોમાં કોમર્શિયલ કે ચાર્ટર વિમાન મારફતે મોકલવામાં આવ્યા હોય. હૃદય અને ફેફસા સુરતથી દેશના બીજા શહેરોમાં સમયસર હવાઈમાર્ગે મોકલવા માટે સુરત એરપોર્ટ ઓથોરિટીનો હંમેશા સહયોગ મળતો રહ્યો છે.
આ પણ વાંચો: નથુરામ ગોડસેની મૂર્તિ લગાવનારાઓ પર દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ: ભરતસિંહ સોલંકી
આ પણ વાંચો: રાજકોટમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો