- એક ભક્તે ભગવાન કૃષ્ણ માટે ખાસ પાંચ કિલો ચાંદીના વજનનું પારણું તૈયાર કરાવ્યું
- બજારમાં પાંચસોથી લઈ જ્યાં પાંચ લાખ સુધી કિંમતના ચાંદીના પારણાં
- ભગવાનને ખુશ કરવાની સાથોસાથ ભક્તોનું ઇન્વેસ્ટમેન્ટ પણ ખરું
સુરત : આઠમના પર્વની રાહ ભક્તો આખા વર્ષ દરમિયાન જોતા હોય છે. રાત્રે બાર વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ બાળ રૂપને હીચકામાં ઝૂલાવી તેમને ખુશ કરવાનો પ્રયત્ન ભક્તો કરતા હોય છે. આ વખતે એટલું જ નહીં પ્રતિકાત્મક રૂપથી લઈને પાંચ કિલો સુધીના ચાંદીના પારણાની ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરતના એક વેપારી દ્વારા પાંચ કિલો ચાંદીના પારણાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં રજવાડી કલાકારી આકર્ષણનું કેન્દ્ર છે. સામાન્ય બાળકો જન્મ લે ત્યારે જે હીચકામાં તેને ઝૂલાવવામાં આવતા હોય છે તેવી જ સાઈઝ અને આકારનો આ 5 કિલોનો ચાંદીનો હીંચકો છે. જેમાં ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભગવાનની પ્રતિમા મૂકીને પૂજા અર્ચના કરવામાં આવશે..
ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે
જ્વેલર્સ દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ અંગે ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ વખતે ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ચાંદીના દાગીનાની ડિમાન્ડ જોવા મળી રહી છે આ જ કારણ છે કે પાંચસો રૂપિયાથી લઈને સવા પાંચ લાખ રૂપિયા સુધીના પારણાની ડિમાન્ડ છે. હાલ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ તેની કિંમત 80 હજાર પ્રતિ કિલો સુધી પહોંચી હતી. અને ત્યારબાદ કિંમતમાં ઘટાડો થતાં 40 હજાર અને અત્યારે 65 હજાર સુધી છે. ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. જેના કારણે હાલ ભાવ ઘટતાં એક બાજુ લોકો ભગવાન માટે પારણા ખરીદી રહ્યાં છે જેને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યાં છે.
સાગના લાકડા પર ચાંદીની કોટિંગ
દીપક ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું કે એક વેપારી દ્વારા તેમને પાંચ કિલો ચાંદીના પારણાં બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. જે રીતે એક સામાન્ય જન્મેલા બાળકનો હીંચકો હોય છે તે જ રીતે હીંચકો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક નવજાત બાળકને મૂકી શકાય તેટલી જગ્યા હોય છે સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને આ પારણું બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ કિલોથી વધુ ચાંદી લાગી છે. નકશી માટે ખાસ રાજસ્થાની કારીગરોને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેઓએ રજવાડી કારીગરી પારણા ઉપર કરી છે જેથી તે ખૂબ જ આકર્ષક લાગે છે.
આ પણ વાંચોઃ સુરતમાં દેશનું પ્રથમ હીરા જવેરાત માટે ઓકશન હાઉસ શરૂ થતાં જ ચાર દિવસનું બુકીંગ મળ્યું
આ પણ વાંચોઃ સુરતમાં PHD કરી રહેલા અફઘાન નાગરિકે કાબુલમાં રહેતી પત્ની અને બે દીકરીઓ માટે ટિકિટ બુક કરાવી અને વ્યથા વણસી..