- બારડોલી અને મહુવા તાલુકામાં વિકેન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું હતું
- બારડોલીના 10 અને મહુવાના 6 ગામોમાં લોકડાઉન હતુ
- બન્ને દિવસો દરમિયાન હવે બજારો રાબેતા મુજબ ખુલ્લા રાખી શકાશે
સુરત: બારડોલી સહિત સુરત જિલ્લામાં કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડા બાદ વહીવટીતંત્ર દ્વારા આ સપ્તાહથી બારડોલી અને મહુવા તાલુકામાં વિકેન્ડ લોકડાઉન મોકૂફ રાખવામાં આવ્યું છે. બન્ને દિવસો દરમિયાન હવે બજારો રાબેતા મુજબ ખુલ્લા રાખી શકાશે.
આ પણ વાંચોઃ બારડોલીમાં વહીવટી તંત્ર થયું સતર્ક, વિકેન્ડ લોકડાઉન કર્યૂ જાહેર
સુરતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, આ ઘટાડો સામાન્ય છે. વાવાઝોડા સમયે થયેલા ઓછા ટેસ્ટિંગના કારણે પણ ઘટાડો જોવા મળ્યો હતો.
શનિ-રવિ રાબેતા મુજબ બજારો ખુલ્લા રહેશે
કેસમાં સામાન્ય ઘટાડો થતા બારડોલી પ્રાંતના નાયબ કલેક્ટર અને SDM વી.એન. રબારી દ્વારા શનિવાર અને રવિવારના રોજ લાગુ કરવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉન હવે લાગુ નહીં રહે. SDM દ્વારા આ અઠવાડિયે બજાર રાબેતા મુજબ ખુલ્લા રાખી શકાશે એવી જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે બારડોલીના વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.
આ પણ વાંચોઃ બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
પલસાણામાં પણ આંશિક લોકડાઉન ઉઠાવી લેવાયું છે
સુરત જિલ્લાના પલસાણામાં પણ કેસમાં ઘટાડો થતાં હવે પલસાણા ગ્રામપંચાયત દ્વારા આંશિક લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે. પલસાણામાં હવે આવશ્યક સેવા સિવાયના તમામ બજારો માત્ર રવિવારના દિવસે બંધ રહેશે. જ્યારે બાકીના દિવસો દરમિયાન સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી બજારો ચાલુ રાખી શકાશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.