- બારડોલીના CHCમાં હવે નવા દર્દીઓને ભરતી નહી કરાય
- દર્દીઓને નવી સિવિલમાં ખસેડવા જણાવાયું
- હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે લેવાયો નિર્ણય
બારડોલી: બારડોલી CHC ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનના અભાવે નવા દર્દીઓને દાખલ નહીં કરવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતા કોરોનાના દર્દીઓની હાલત કફોડી થવાની સંભાવના સેવાઇ રહી છે.
આ પણ વાંચો: બારડોલી શહેર અને તાલુકાના 7 ગામ તેમજ મહુવાના 6 ગામમાં વિકેન્ડ લોકડાઉન
કોરોનામાં જિલ્લાની સ્થિતિ કથળી
કોરોના મહામારીમાં સુરત શહેર સહિત જિલ્લાની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે. સોમવારથી સુરત શહેર અને જિલ્લામાં ઓક્સિજનની અછતને કારણે કેટલીક હોસ્પિટલોએ નવા દર્દીઓ દાખલ કરવા પર રોક લગાવી દીધી છે. ઓક્સિજનનો પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓને મુશ્કેલી પડવાની સંભાવના છે.
સ્થિતિ કપરી થવાના એંધાણ
તંત્ર અને સરકારના અણઘડ વહીવટને કારણે ઓક્સિજનની કટોકટી સર્જાય છે. જો સમયસર ઓક્સિજન નહીં મળે તો જિલ્લાની સ્થિતિ કપરી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે, શહેરની બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ સોમવારથી જ કોરોના સંક્રમિત નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાનગી હોસ્પિટલોએ પણ હાથ ઊંચા કર્યા
આ નિર્ણયને કારણે બારડોલી CHCમાં સારવાર માટે આવતા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, ઓક્સિજન પુરવઠો ખૂબ ઓછો હોવાથી કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ હવે દર્દીઓના સગાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ થાકી : સતત મૃતદેહ આવતા બારડોલીમાં બે ભઠ્ઠી તૂટી ગઈ
જિલ્લા વહીવટી તંત્રએ આપી સૂચના
બારડોલી CHCના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. ભાવેશ પટેલ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા વિકાસ અધિકારી તરફથી નવા દર્દીઓને હાલ પૂરતા દાખલ ન કરી નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની સૂચના આપવામાં આવી છે.