- સુરતમાં 29 નવેમ્બરના રોજ યોજાશે દીક્ષા સમારોહ
- દીક્ષાર્થીઓ વ્યવસાય,પેઢી,સંબંધો અને અઢળક સંપત્તિનો ત્યાગ કરશે
- કોઈ કબડ્ડી અને ફૂટબોલમાં નેશનલ પ્લેયર, કોઈ અખૂટ સંપત્તિના માલિક
સુરત: સંસારની મોહ-માયામાંથી નીકળવું મુશ્કેલીભર્યું છે અને તેમાં પણ કરોડો રૂપિયાનો વ્યાપાર (Business) છોડવો કોઈ નાની વાત નથી, ત્યારે સુરતમાં 29 નવેમ્બરના રોજ યોજાનારા સમારોહમાં દીક્ષા (Diksha) લેનારા દીક્ષાર્થીઓ વ્યવસાય, પેઢી, સંબંધો અને અઢળક સંપત્તિનો ત્યાગ કરીને સંયમના માર્ગે જશે. આમાં કરોડોનો આસામી સમગ્ર પરિવાર છે, તો કોઈકના લગ્નજીવનને 5 વર્ષ જ થયા છે. ઉપરાંત તેમાં એવા યુવાઓ પણ છે જે કબડ્ડી અને ફૂટબોલમાં નેશનલ પ્લેયર (National Football Player) છે અને તેમ છતાં પણ તેઓએ દીક્ષાનો માર્ગ પસંદ કર્યો છે.
74 સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારી
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મના મહાનાયક, સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે થનારી 74 સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
મુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહપરિવાર સુરતમાં લેશે દીક્ષા
મુકેશભાઈ શાંતિલાલજી સંઘવી (આખો પરિવાર, મૂળ સાંચોરના, હાલ મુંબઈ વી.પી. રોડ પોશ એરિયામાં રહે છે) તેઓ 42 વરસની ઉંમરે આખા પરિવાર ધર્મપત્ની શિલ્પાબેન, એકના એક પુત્ર યુગ-18 વર્ષ તથા દીકરી કિયોશા કુમારી ઉ.14 સાથે દીક્ષા લે છે. સાંચોરના અતિ ધનાઢ્ય શાંતિલાલજીના 3 પુત્રોમાંના એક પરિવારે પાર્શ્વશાંતિધામ વિશાળ જૈન તીર્થની રચના કરી છે. તેમનો મેટલનો બિઝનેસ ઘણો જ ફેલાયેલો છે અને અઢળક સંપતિના વારસ હતા. મુકેશભાઈ મેનેજમેન્ટના માસ્ટર ગણાય છે. માત્ર 42 વરસની ઉંમરે અપાર સંપત્તિને તથા ખૂબ જ ખ્યાતિ તથા બિઝનેસ એમ્પાયરને છોડી રહ્યા છે. સંઘવી શાંતિલાલજીનો પરિવાર જૈન સમાજનો એક ખ્યાતનામ દાનવીર પરિવાર
બિઝનેસ ટાયકુનના ડાયરેક્ટર બનવાની શરૂઆત થવાની હતી
મન સંજયભાઈ સંઘવી મૂળ સણવાલ હાલ સુરતના છે. તેઓ માત્ર 17 વરસની વયે વૈરાગ્ય લેશે. પિતા સંજયભાઈ સુરત હીરાબજારનું અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે. ખૂબ મોટા ગજાના વેપારી છે. મન માટે તો એમ કહેવાય છે કે તે સંઘવી પરિવારના રજવાડાનો યુવરાજ છે. મન સંજયભાઈના 2 દીકરા પૈકી મોટો દીકરો છે. મસમોટા બિઝનેસ ટાયકુનના ડાયરેક્ટર બનવાની શરૂઆત થવાની હતી. જો કે ગુરુયોગની વાણીની એવી અસર કે સંજયભાઈની પેઢીના નહી, પણ પ્રભુવીર પેઢીના વારસ બનવા તૈયાર થયા.
ભવ્ય ફૂટબોલ તથા કબડ્ડીનો નેશનલ પ્લેયર
ભવ્યકુમાર ભાવેશભાઈ ભંડારી અને વિશ્વાકુમારી ભાવેશભાઈ ભંડારી (મૂળ હિંમતનગર તથા હાલ અમદાવાદમાં રહે છે). ભાવેશભાઈના એકના એક દીકરા તથા દીકરી 16 તથા 18 વરસે ગુરુયોગના ગુરુકુળવાસમાં સંસારની અસારતા સમજ્યાં. ભવ્ય પિતાની અઢળક સંપતિનો એકનો એક વારસ હતો. ભવ્ય ફૂટબોલ તથા કબડીનો નેશનલ પ્લેયર છે. પિતા અનેક રીતે પ્રતિષ્ઠિત રાજકીય-સામાજિક ક્ષેત્રે બહોળા સંબંધો ધરાવે છે. 74-74 દીક્ષાના અમદાવાદના વરઘોડામાં ગત 24 ઓક્ટોબરે તેમના નિમંત્રણથી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પધાર્યા હતા. પિતાની સંપત્તિ, પેઢી, વ્યવસાય, સંબંધો બધાનો વારસો છોડી દીક્ષા લેશે.
આંગીના પિતા પ્રિન્સેસ હીરાના વ્યવસાયમાં મોટું નામ
આંગી કુમારભાઈ કોઠારી મૂળ તેરવાડા, બનાસકાંઠાની આ દીકરી હાલ સુરતના એક્સેલેન્સીયા જેવા ટોપ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા કુમારભાઈ હીરાબજારમાં પ્રિન્સેસ હીરાના વ્યવસાયમાં મસમોટું નામ છે. પરિવારે પાલીતાણામાં વિમલ-કીર્તિ નામે ધર્મશાળા જેવા ઘણા ધાર્મિક સામાજિક કાર્યો કર્યા છે. હોમ હોમ સાહ્યબી તથા ફૂલની જેમ ઊછરેલી દીકરીએ દુનિયાના કહેવાતા એક પણ કષ્ટ સહન નથી કર્યા, પણ તેને ક્યાંય સુખ ન દેખાયું.
મોટો બિઝનેસ અને 5 વર્ષનું લગ્ન જીવન છોડી સંયમના માર્ગે
અંકિતભાઈ પારસભાઈ ઓસવાલ અને રિનીકાબેન અંકિતભાઈ ઓસવાલ મૂળ જાલોર પાસે ગોહનના અને હાલ કર્ણાટક કરાડમાં રહેનારા આ દંપતિ માત્ર 30-31 વર્ષના છે. કોઈ હીરો કે હીરોઈનને ઝાંખા પડે તેવું રૂપ-સૌંદર્ય. માત્ર 5 જ વર્ષનું લગ્નજીવન. દેવતાને પણ ઈર્ષ્યા થાય તેવું સુખી દાંપત્યજીવન. નાની ઉમરમાં પોતે સ્ટાર્ટ-અપ-ઇન્ડિયા હેઠળ બિઝનેસ ઊભો કરેલો. સરકાર પણ નોંધ લે તેવું સફળ સાહસ તથા યુથ આયકોન બિઝનેસમેન. લખલુટ સંપત્તિ વારસામાં નહી, પણ પોતે ઉભી કરેલી. પોતાનું નામ, બિઝનેસ સામ્રાજ્ય, અદભુત રૂપ, ભાવિની જયવંત તકો, ઘણા અરમાનો બધું જ મિથ્યા લાગ્યું, જયારે ગુરુયોગના મુખે જિનવાણી સાંભળી અને આજે અંકિતકુમારે ગુરુકુળવાસમાં નામ અંકિત કરવા પ્રવાસ ખેડ્યો છે.
દીકરો આજે વિશાળ વ્યવસાયનો કુશળ સંચાલક
વૈશાલીબેન મહેતા સુરતના છે. માતા અઢળક સંપત્તિ ધરાવતા પરિવારના મોભી છે. પોતાની 3 દીકરીઓએ દીક્ષા લીધી છે અને પતિના અવસાન બાદ સમગ્ર કુટુંબની જવાબદારી હતી. દીકરો આજે વિશાળ વ્યવસાયનો કુશળ સંચાલક બન્યો છે એટલે વૈશાલીબેન આ સંસારમાં ચારેબાજુ દોષોને જોઈ સાચા આત્મગુણોને પામવા ચાલી નીકળ્યા છે.
તમામ સંપતિનું ધર્મમાર્ગે દાન કરી ત્યાગ
વિરેન્દ્રભાઈ પારેખ તથા ફાલ્ગુનીબેનનો આખો પરિવાર દીક્ષા લે છે. મૂળ તળાજાના અને હાલ મુંબઈ રહેતા આ દંપતિએ પહેલા 2 દીકરીઓને દીક્ષા આપી અને હવે ઘરને તાળું મારી, તમામ સંપતિનું ધર્મમાર્ગે દાન કરી-ત્યાગ કરી સંસારની અસારતા સમજી દીક્ષા લેશે. લખલૂટ સંપત્તિમાં સુખ નથી, મનની શાંતિ નથી, સાચી શાંતિ-સુખ તો સાચા અર્થમાં વસ્તુઓ તથા ઈચ્છાઓના ત્યાગમાં છે. આત્મગુણોમાં તથા આત્મામાં વસવામાંથી તે ખૂબ જ સારો સંદેશ જગતને આપે છે.
અઢળક સંપત્તિ, દેશ-વિદેશમાં ફેલાયેલો બિઝનેસ
રેખાબેન ધવલચંદ કાનુગો મૂળ સાંચોરના છે. અત્યારે મુંબઈના અતિ પોશ એરિયામાં રહે છે. રેખાબેન પોતે ક્વેલરી શો-રૂમના માલિક છે. તેમના પિતા ધવલચંદજી જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત મોભી છે. ધવલચંદજી ખૂબ જ મોટા ગજાના મેટલના વેપારી છે. જૈન સમાજના મોટા દાનવીર છે. અઢળક સંપત્તિ, દેશ-વિદેશમાં ફેલાયેલો બિઝનેસ. સમાજમાં ખૂબ જ ખ્યાતિપ્રદ નામ. અનેક સંસ્થામાં ટ્રસ્ટી વડિલ તથા રાજકીય ક્ષેત્રે પણ આદર ધરાવતા આ ધવલચંદજીની દીકરી પોતે ક્વેલરી બિઝનેસની માલિક હતી. પણ સાચું ઘરેણું તો સંયમજીવન છે તે વાત તેમને સમજાઈ ગઈ છે. જે દીકરીએ સંપત્તિ સિવાય કંઈ નથી જોયું તે સાચી આત્મસંપત્તિ મેળવવા જઈ રહી છે.
મહેતા પરિવાર લેશે દીક્ષા
સૂઈગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા વિપુલભાઈ મહેતા પોતાની ધર્મપત્ની સીમાબેન તથા બંને દીકરા પ્રિયેનકુમાર તથા રાજકુમાર સાથે આખો પરિવાર દીક્ષા લેશે. સુરતના સરેલાવાડી જેવા પોશ એરિયામાં રહેતા વિપુલભાઈને સંપત્તિમાં રસ નથી કે ના તેમના બંન્ને વારસદાર દીકરાઓને સંપત્તિમાં રસ છે. ખૂબ જ કુશાગ્ર તથા વિચારક તરીકે મોટું નામ ધરાવતા વિપુલભાઈ નામ-દામ તથા પ્રખ્યાતિ બધું જ છોડી રહ્યાં છે. બધું જ ત્યાગ કરી આખો પરિવાર સંસાર છોડી રહ્યો છે.
મુંબઇના CA અમિષભાઈ દલાલ સુરતમાં લેશે દીક્ષા
CA અમિષભાઈ દલાલ મૂળ ખંભાતના અને હાલ મુંબઈમાં રહે છે. બંન્ને ભાઈ એ.પી દલાલ એન્ડ કું.ના નામે છેલ્લા 32 વરસથી CAની પ્રેક્ટિસ કરે છે. મુંબઈમાં ખૂબ જ જામેલી CAની પ્રેક્ટિસ - ખૂબ મોટું નામ છે. અતિવિદતા તથા સમાજમાં નામ-દામ-દોલત તથા હવે તો વર્ષોથી ગુડવીલનો સફળતામાં ચણી લેવાનો ખરો તબક્કો છે, ત્યારે સમજાયું કે આ દુનિયાના ચોપડાના ઓડિટ કરવા કરતા કર્મો તથા પાપ-પુણ્યના ઓડિટ કરવા - સાચો આત્મકલ્યાણનો રીપોર્ટ બનાવવો જોઈએ અને આથી CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બદલે CA એટલે ચારિત્ર અંગીકાર કરવા તેઓ નીકળ્યા. ઉલ્લેખનીય છે કે અમિષભાઈના ગુરુદેવ જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી એટલે ગુરુયોગ પણ 34 વરસ પહેલા CA થયેલા છે અને દીક્ષા લીધી છે.
વિશાળ પરિવાર તથા સંપત્તિના માલિક-મોભી
મુંબઈના અને મૂળ ભાભરના ચીનુભાઈ 70 વરસે દીક્ષા લેશે. તેઓ વિશાળ પરિવાર તથા સંપત્તિના માલિક છે. 3 દીકરા, સ્થાવર-જંગમ મિલકતનો તમામ સ્વાર્થ-હક છોડી પ્રભુની વાણીથી, ગુરુયોગની વાણીથી વૈરાગી બની જૈફવયે સંસાર ત્યાગી રહ્યાં છે.
આ પણ વાંચો: વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી
આ પણ વાંચો: robbery drama: મોરબી નજીક રચાયેલા લાખોની લૂંટના નાટકનો થયો પર્દાફાશ