- સુરત જિલ્લા પોલીસે સગીર સહિત બેને ઝડપી પાડ્યા
- ચોરીની 30 મોટર સાયકલ સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ચોરી કરતી ગેંગના આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી
સુરત:જિલ્લા LCB તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમે મોટરસાઇકલ ચોરી કરતી મધ્યપ્રદેશ રાજ્યની આંતરરાજ્ય ગેંગના સાગરીતને ચોરીની બાઇક સાથે કામરેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ચોરીની 30 બાઈક સહિત કુલ 7.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમની પૂછતાછ કરતાં આ મોટર સાયકલ સુરત શહેર, જિલ્લામાં તેમજ નવસારી જિલ્લામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કર્યા બાદ મોટર સાયકલો મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ સસ્તામાં વેચતા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિત બેની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોને વોંટેડ જાહેર કર્યા હતા.
બાતમીના આધારે ઝડપી પાડ્યા
સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નરેશ કલેશ તથા જેરામ બામણીયા નામના શખ્સો તેમના સાગરીતો સાથે મળી મોટરસાઇકલ ચોરી કરી મધ્યપ્રદેશમાં લઈ જઈ વેચાણ કરે છે. આ બંને શખ્સો ચોરી કરેલુ નંબર પ્લેટ વગરનું બુલેટ તથા સ્પ્લેંન્ડર બાઇક લઈ વેચાણ કરવા જવાના છે. જે હકીકતના આધારે LCB તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમે કામરેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબના બે શખ્સો આવતા તેમને ઝડપી પાડી તેમની પાસેથી કબ્જે કરેલી બાઇક ચોરી હોવાનું જાણવા મળ્યુ હતું.
ચાર આરોપી વોન્ટેડ જાહેર
ચોરીની બાઇક સાથે નરેશ કલેશ તા-બારડોલી, મૂળ રહે, છોટીઉતાવલી, ખાડાફળિયું, એમ.પી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી તેમની પૂછપરછ કરતાં જણાવ્યુ હતું કે, મુખ્ય સાગરીત નજરીયા કેન્દ્રીયા તોમર તથા તેના અન્ય સાગરીતો સાથે મળી સુરત શહેર, જિલ્લામાં તથા નવસારી જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએ કડિયાકામની મજૂરીકામ માટે આવે ત્યારે રાત્રિના સમયે ત્યાંથી અલગ અલગ મોટર સાયકલ ચોરી કરેલી છે. જે ચોરીની મોટરસાયકલ મધ્યપ્રદેશમાં લઈ જઈ સસ્તામાં વેચે છે. તેમજ અમુક બાઈક પોતાના ઘરે મૂકી હોવાનું જણાવ્યુ હતું. જે આધારે પોલીસે બનેને સાથે રાખી કુલ 30 જેટલી મોટર સાયકલ તથા મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 7 લાખ 63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યા છે. આ સાથે મધ્યપ્રદેશના રહેવાસીઓ નજરીયા તોમર ,દિનેશ મસાનીયા, સુનિલ તોમર અને કાદુ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઈ રીતે કરતાં હતા ચોરી ?
વોન્ટેડ આરોપીઓ તથા પકડાયેલા બંને શખ્સો ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કડિયાકામની મજૂરીકામ કરવા માટે આવતા અને દિવસ દરમિયાન મજૂરીકામ કરી રાત્રિના સમયે મોટરસાયકલ ચોરી કરવા જતાં અને સોસાયટી તથા ઘરની બહાર પાર્ક કરેલી બાઈક ચોરી કરતા હતા. ગેંગના મુખ્ય સાગરીત નજરીયા તોમર તેમના વતન મધ્યપ્રદેશ રાજ્યમાં લઈ જઈ સસ્તા ભાવમાં વેચાણ કરતો હતો.