સુરત: મહાનગર પાલિકા દ્વારા નેશનલ બુક ફેર અને બાગાયતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. SMC દ્વારા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં શહેરભરની શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલી ફ્લાવર અરેન્જમેન્ટ્સ તેમજ બુકે બનાવવાની સ્પર્ધામાં પણ શહેરની અનેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓએ અનેક કૃતિઓનો રજૂ કરી હતી. આવી જ એક કૃતિ જોવા મળી, જે. એચ. અંબાણી સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીની જીયા દેસાઈના હાથમાં, આ કૃતિમાં તેણે પર્યાવરણ સુરક્ષાને અગ્રતા આપી હતી.
આ વિદ્યાર્થીનીએ ફૂલનો એક બુકે તૈયાર કર્યો હતો. આ બુકેમાં તેણે ચકલીના માળાનો પણ સમાવેશ કર્યો હતો. પોતાના આ આગવા બુકે વિશે જીયા દેસાઈએ જણાવ્યું હતું કે, આપણે સામન્ય રીતે એકબીજાને મળતી વખતે બુકેની ભેટ આપતા હોઈએ છીએ. એ બુકેના ફૂલો તો બાદમાં કચરામાં જ જતાં હોય છે, પરંતુ જો એ બુકેમાં ચકલીના માળાનો સમાવેશ કરીએ, તો પાછળથી એ માળાને આપણા ઘરની બારીઓમાં કે બાલ્કનીમાં રાખી શકાય છે. જેમાં ચકલીઓ ચોક્કસ જ માળો બનાવતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન શહેરોમાંથી ચકલીઓ ચિંતાજનક રીતે લુપ્ત થઈ રહી છે. એવા સંજોગોમાં આ અથવા આવા બીજા આઈડિયા પર કામ કરવામાં આવે તો, સામાજિક રીતરીવાજોની સાથે પર્યાવરણ જાળવણીને પણ પ્રાધાન્ય આપી શકાય છે. જે. એચ. અંબાણી સ્કૂલની આ નાનકડી વિદ્યાર્થીની કૃતિમાં ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના મેસેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘પ્રકૃતિના આશીર્વાદ સાથે’! પર્યાવરણ સુરક્ષા સંદર્ભના આ વિચારને પુસ્તકમેળામાં આવેલા સૌ કોઈએ વધાવી લીધો હતો.