સુરત: છેલ્લા ઘણા દિવસથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. રવિવારે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલો ઉપરાંત સુરતમાં 7 સમાજ દ્વારા કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ સેન્ટ્રો માટે કામ કરવા ઇચ્છતા શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, દેશહિત અને માનવતા માટે સામે આવે અને પ્રશાસન પોતે જ તેમને ટ્રેનિંગ આપશે.
જયંતિ રવિએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ સમાજ દ્વારા 7 કમ્યુનિટી કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા છે. આ કેર સેન્ટરમાં કામ કરવા ઇચ્છતા દેશ ભાવના રાખનારા અને માનવહિત ખાતર સેવા આપવા જોડાઈ શકે છે. આ સ્વંયમ સેવકોને બે દિવસ બાદ સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી તેઓ આ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહેલા લોકો ની સેવા કરી શકે. મુંબઇ નજીક હોવાના કારણે કેસોમાં વધારો થયો હોય તેવી સંભાવના છે. કારણ કે, 4000થી વધુ લોકો મુંબઇથી આવ્યા છે.
જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સુરતમાં અનેક સ્થળે કોવિડ અંગેની ગાઈડલાઈન લોકો પાલન કરી રહ્યા નથી. સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી તમામ તૈયારીઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી છે. મંગળવાર સુધી લોકો પોતાની દુકાન બહાર જે તે માર્ક કરવાનું હોય તે કરી લે અને માસ્ક પહેરવું ફરજીયાત છે. બુધવારથી કડકાઈથી નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો સામે કડક પગલાં ભરવામાં આવશે અને દંડ વસૂલાશે સાથે જો નિયમોનું પાલન નહીં થાય તો દુકાન પણ બંધ કરી દેવામાં આવશે.