- દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી છે સુમુલ
- 1020 દૂધ મંડળીઓ જોડાયેલી છે સુમુલ ડેરી સાથે
- વર્ષ 2020-21માં રૂપિયા 4139 કરોડનું ટર્ન ઓવર
સુરત: દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સુમુલ ડેરી જીવાદોરી સમાન છે જેની સ્થાપના 22 ઓગસ્ટ 1951 ના રોજ કરવામાં આવી હતી સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લામાં આવેલા ગામો માંથી દૂધ મેળવી પ્રોસેસ કરી વિતરણ કરવાનું કાર્ય કરે છે. લગભગ 1020 દૂધ મંડળીઓ સુમુલ ડેરી સાથે જોડાયેલી છે. હાલ ડેરીઓ દ્વારા એક સમાન ભાવ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઇ સુમુલ ડેરીએ આ માંગને ખોટી ગણાવી છે
પશુપાલકોને 0 ટકા વ્યાજે લોન પણ અપાય છે
સુમુલ ડેરીમાં 2020-21 ના વર્ષમાં 4139 કરોડનું ટર્ન ઓવર કરીને પશુપાલકોને લગભગ 2650 કરોડ રૂપિયાની આવક વર્ષે આપવામાં આવી અને 60 કરોડથી પણ વધારે દૂધ સંપાદન થયું હતું. ખેડૂતોને સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતમાં સમભાવ આપવામાં સફળ થયા હતા. આગામી વર્ષમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેન્ક અને સુમુલ પશુપાલકોને 0 ટકા વ્યાજે પશુ ઉછેર અને પશુઓ માટે 100 કરોડથી પણ વધુ ધિરાણની યોજના બહાર પાડી છે.
સુરત અને તાપી જિલ્લાની 1020 દૂધ મંડળીઓ જોડાયેલી
સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, 2020-21 વર્ષમાં 4139 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાની 1020 જેટલી દૂધ મંડળીઓ જોડાયેલી છે. લગભગ અઢી લાખથી પણ વધુ દૂધ ઉત્પાદકો દૂધનું સંપાદન કરે છે. અગાઉના વર્ષમાં લગભગ 60 કરોડ લીટર દૂધનું સંપાદન કર્યું છે અને 780 રૂપિયા કિલો ફેટ પેટે દૂધ ઉત્પાદકોને ભાવ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2650 કરોડ રૂપિયા આ 60 કરોડ લીટર દૂધ માટે આપવામાં આવ્યા છે.
એક સમાન ભાવની જે વાત ચાલી રહી છે એ ખોટી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમુલ અને સુમુલ આ તમામ ડેરીઓ ગુજરાતમાં વધુમાં વધુ દૂધ આપતી ડેરીઓ છે. બીજા અન્ય સૌરાષ્ટ્ર હોય કે અન્ય દૂધ સંઘોમાં ઓછું દૂધ આવતું હોય છે અને જે ડેરીઓમાં વધારે દૂધ આવતું હોય છે, તેમાં સ્વાભાવિક છે કે પગાર અને ટ્રાન્સપોર્ટેશન અને ખાસ કરીને પ્લાન્ટને ચલાવવા માટેનો ખર્ચ હોય છે. વધુ લીટર દૂધ આવવાના કારણે ખર્ચા ઓછા હોય છે. તેના કારણે જે વધુ દૂધ આપતા સંઘો છે તેના જે ભાવ હોય છે તે વધારે હોય છે જે એક સમાન ભાવની વાત ચાલી રહી છે એ ખોટી છે.