- સુરતમાં કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે જેવા મેસેજ વાઈરલ
- કોંગ્રેસે પાસ કન્વિનર ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છતા તેમણે ફોર્મ ન ભર્યું
- ભાજપનો ખુલીને વિરોધ કરતા પાટીદાર યુવાનોએ હવે કોંગ્રેસ સામે બાંયો ચડાવી
સુરતઃ સુરતમાં 25 વર્ષથી શાસન ભોગવતા ભાજપ સામે આપના નવા ઉમેદવારોની રણનીતિ શું છે, તેની ઉપર સૌ કોઈની નજર છે. ચૂંટણી શાખામાંથી મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર ત્રણમાં કુલ 1,54,559 મતદારો છે. તે પૈકી પાટીદાર સમાજના 1,26,540, જ્યારે પછાત વર્ગના 14131 મતદારો છે. વર્ષ 2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનો માહોલ હતો અને ભાજપ સામે પાટીદારોમાં નારાજગી હતી ત્યારે પાટીદાર અનામત સમિતિના ટેકાથી કોંગ્રેસ ઉમેદવાર જીત્યા હતા.
માત્ર એક જ કોંગ્રેસ ઉમેદવાર
જોકે, આ વખતે ચિત્ર ચૂંટણીનું ચિત્ર અલગ છે. ભાજપમાંથી ચાર ઉમેદવારો દક્ષા લવજી ખેની, ભાવના રાજેશ દેવાણી, ધર્મેશ ગોરધન સરસિયા અને ભાવેશ શંભુ ડોબરીયાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી એકમાત્ર પાયલબેન ગોધરાએ જ ઉમેદવારી નોંધાવી છે અને આમ આદમી પાર્ટીના ઋતુ દુગધ્રા, સોનલ સુહાગિયા, કનુ ગેડિયા અને મહેશ અણઘડે ઉમેદવારીપત્રક ભર્યું છે. આ વોર્ડથી પાસ કન્વિનર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ વાયદા મુજબ અન્ય લોકોને કોંગ્રેસે ટિકિટ ન આપતા ધાર્મિકે ફોર્મ ન ભર્યું હતું અને પાસના સમર્થનમાં આ જ વોર્ડના-2 કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આથી અહીં માત્ર કોંગ્રેસના એક જ ઉમેદવાર છે.
કોંગ્રેેસે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે, મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ
આ વોર્ડમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા યુવાનોનું જોર છે. અત્યાર સુધી ભાજપનો ખુલીને વિરોધ કરતા પાટીદાર યુવાનો હવે કોંગ્રેસ સામે પણ બાંયો ચડાવી છે. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી હોય તેમને હરાવી શું એવા મેસેજ આ યુવાનો સોશિયલ મીડિયામાં ફેરવી રહ્યા છે. ગયા વખતે પાસના સમર્થનના પગલે વરાછામાં કોંગ્રેસ 23 બેઠક જીત્યું હતું, પરંતુ આ વખતે પાટીદાર યુવાનો પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યા છે.
આ વોર્ડમાં પેચવર્કનું કામ શરૂ
આ વોર્ડના પાસોદરામાં એકસાથે 500 જેટલા ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનો ખેલ પણ ગયા બુધવારે થયો હતો. તે જોતા આ વોર્ડમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ હોવાનું લાગી રહ્યું છે. ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા પણ આ વોર્ડમાં પેચવર્કનું કામ શરૂ કરી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે. મતદારોને આકર્ષવા માટે ભાજપ દ્વારા આપ વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.