સુરતઃ સુરતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જે આવનારા દિવસોમાં હજી વધવાની શક્યતા છે. તેમ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જો સુરતીઓ સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન નહીં કરે તો મે મહિનાના અંતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,64,000 પહોંચી જાય તો નવાઈ નહીં.
લોકડાઉન હોવા છતાં કોરોના વાઇરસની સ્થિતિને ગંભીરતાથી નહીં લેનાર સુરતીઓ સાવધાન થઈ જાય. કારણ કે તમારી ભૂલના લીધે હાલ જે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા લગભગ 500ની નજીક છે તે મેં મહિનાના અંત સુધી દોઢ લાખને પાર કરી શકે છે. શહેરના અનેક વિસ્તારોમાં અત્યાર સુધી સોશિયલ ડિસ્ટનસિંગ જોવા મળી રહ્યું નથી. આ જ કારણ છે કે સતત શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
સમગ્ર ભારતભરમાં સૌથી વધુ ટેસ્ટિંગ સુરતમાં થઈ રહ્યા છે. જેથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરના સ્લમ વિસ્તાર અને ગીચ વિસ્તાર તરીકે ગણાતા માન દરવાજા તેમજ લીંબાયતમાં કોરોના વાઇરસ દર્દીઓમાંથી 37 ટકા આ વિસ્તારમાંથી કેસો નોંધાયા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જણાવ્યું હતું કે જો સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવવામાં આવે તો કેસ વધવાની પૂરેપૂરી શકયતાઓ છે. હાલ જે કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા સામે આવી છે તે પ્રમાણે ડબ્લિંગ રેટ ઉપર નજર કરવામાં આવે તો 10 દિવસનો હોય તો 31 મેં સુધીમાં 32000 કેસ મળશે, જ્યારે 7 દિવસ પ્રમાણે હોય તો 64000 હજાર કેસ આવી શકે છે, તેમજ 5 દીવસ કરી દેવામાં આવે તો 80,000 કેસ આવી શકે છે.
જ્યારે 3 દિવસ કરી દેવામાં આવે તો 1,64,000 કેસ આવી શકે છે. તેમજ વધુમાં જણાવ્યું કે જો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવે તો આ આંકડાઓને રોકી શકાય છે. લોકોએ પોતાના પર સંયમ રાખવું જરૂરી છે. અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 436 હતી તે વધીને 455 પર પોહચી છે. જેમાથી 14 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ અત્યાર સુધી પાંચ હજાર જેટલા લોકો ક્વોરોન્ટાઇન માંથી બહાર આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસની વાત કરીએ તો લિંબાયતમાંથી 192 કેસ પોઝિટિવ આવ્યા છે, સેન્ટ્રલ ઝોનમાંથી 77 કેસ, વરાછા ઝોનના 58 કેસ, ઉધના ઝોનના 42 કેસ, વરાછા ઝોન બીમાંથી 7 કેસ, રાંદેર ઝોનમાંથી 31 કેસ, કતારગામમાંથી 33 કેસ, અઠવા ઝોનના 15 કેસ મળી કુલ 455 કેસ થયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાંથી 16 કેસ આવતા કુલ કેસની સંખ્યા 471 પર પહોંચી ગઇ છે. શહેરમાં વધતા કેસ માં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. કારણ કે શહેરમાં સોસીયલ ડિસ્ટનસિંગની અભાવ જોવા મળી રહ્યો છે અને કેટલાક લોકો માસ્ક વિના બિનજરૂરી બહાર નીકળી રહ્યા છે. હાલ કોરોના કેસનો આંકડો ચારસો પર પોહચ્યો છે. પરંતુ જો સુરતીઓ નહીં સુધરે તો આ આંકડો વધવાની પણ પૂરેપૂરી શકયતા રહેલી છે.