સુરતઃ શહેરમાં હાલ કોરોના કાળમાં લોકો ગણેશ ઉત્સવ ધામધુમથી ઉજવી શકશે નહી અને ખાસ કરીને કોરોનાના દર્દીઓ પણ પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જેથી સુરતની યુવતી અદિતિએ સાત દિવસની મહેનત કરી કોરોનાના દર્દીઓ માટે ખાસ ગણપતિ તૈયાર કર્યા છે. ગણેશ ચતુર્થીના તહેવારને હવે બે દિવસ જ બાકી છે અને દેશભરમાં અલગ-અલગ થીમ પર મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. જો કે, આ વર્ષે માટીની નાની મૂર્તિઓની લોકો જાહેર સ્થળોને બદલે ઘરે જ સ્થાપના કરશે અને વિસર્જન પણ કરશે. ત્યારે સુરતની ડેન્ટિસ્ટ ડોકટર અદિતિ મિત્તલ દ્વારા ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવાઈ છે. આ મૂર્તિ કાગળ કે માટીની નહીં પરંતુ ડ્રાયફુટમાંથી બનાવી છે. આ ગણપતિ 266 નંગ અખરોટ, 66 નંગ બદામ , 172 નંગ શિંગ અને 7 નંગ પિસ્તાથી બનાવવામાં આવ્યા છે.
ડોકટર અદિતિએ જણાવ્યું હતું કે, ડ્રાયફ્રુટ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે. જેથી કોરોનાને લઈને તેમને આ ગણપતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 20 ઈંચ, પહોળાઈ 15 ઈંચ અને વજન 2.5 કિલોગ્રામ છે. આ મૂર્તિની સ્થાપના ભટાર સ્થિત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર પર કરાશે અને 7 દિવસ બાદ તેનો પ્રસાદ કોરોનાના દર્દીઓને આપીને તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાશે.
મુર્તિ બનાવનાર યુવતીએ કહ્યું કે. આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રૂટની મૂર્તિ બનાવી છે. અખરોટ, શિંગ, પિસ્તા અને બદામ મળીને 511 નંગ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવી છે. મૂર્તિ બનાવવા માટે કવચ વાળા ડ્રાયફુટ જ વાપર્યા છે. જેથી દસ દિવસ તેને રાખી પણ શકાય અને તે બગાડશે પણ નહીં. આ ગણપતિની પૂજા ગોવિંદ વડમા કોરોનાના દર્દીઓ કરી શકશે અને જે કોરોનાનો વિઘ્ન છે તે દૂર થાય આ માટે દર્દીઓ પ્રાર્થના કરશે તેમ જ આવી પરિસ્થિતિમાં પણ સકારાત્મક ઉર્જા દર્દીઓને મળી રહેશે.