સુરત: કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બ્લેડિંગ (મિશ્રણ) માટે જ ફ્યુઅલ ઓઇલ મિશ્રિત બાયો ડિઝલ વેચવાની પરવાનગી આપવામાં આવી છે. તે માટે એવી શરત રાખવામાં આવી છે કે, પેટ્રોલ-ડિઝલ પંપની જેમ બાયોડિઝલ પંપ ખોલવા માટે પણ લાઇસન્સ અને મંજૂરી લેવી જરૂરી છે, પરંતુ કેટલાક લોકો દ્વારા સુરત અને તાપી જિલ્લામાં લાઇસન્સ અને પરવાનગી વગર જ બાયોડિઝલ પંપ ખોલવામાં આવ્યા છે.
બીજી તરફ તંત્ર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બાયોડિઝલપંપ ખોલવાની મંજૂરી માટેનો કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નથી. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, જિલ્લામાં કોની મંજૂરીથી બાયોડિઝલ પંપ ચાલી રહ્યા છે. હાઇવે પર ઠેર ઠેર બાયોડિઝલ પંપ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ખૂલી ગયા છે.
ડિઝલનું 30 ટકા જેટલું માર્કેટ આ બિનઅધિકૃત બાયોડિઝલ વિક્રેતાઓએ કબ્જે કરી લીધું છે. જો તેમના પર કોઈ કાર્યવાહી ન થાય તો આ ગોરખ ધંધા ને કારણે પેટ્રોલપંપ ડિલર્સ અને રાજ્ય સરકારને મોટું નુકસાન થવાની સંભાવના છે. ત્યારે સરકાર આ મુદ્દા પર વિચાર કરે તે જરૂરી બન્યું છે.
ટ્રાન્સપોર્ટર્સ જીએસટીમાં સેટ ઓફ મળતું હોય છે. બાયોડિઝલ ભરાવવાનું પસંદ કરે છે બાયોડિઝલ અને ડિઝલના રેટમાં પણ મોટું અંતર હોય છે. જેથી પેટ્રોલ ડિઝલ પંપના ડિલરોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે ટ્રાન્સપોર્ટર્સને જીએસટીમાં સેટ ઓફ મળવાથી તેઓ વાહનોમાં બાયોડિઝલ ભરાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો કે બાયોડિઝલ ગેરકાયદે છે સરકાર અને ઓઇલ કંપનીને પણ મોટો ચૂનો લાગી રહ્યો હોવાનું પેટ્રોલિયમ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા છે.
બાયોડિઝલની મંજૂરી માટે કોઈ પરિપત્ર નથી. બારડોલી મામલતદાર જીજ્ઞા પરમારે જણાવ્યુ હતું કે, બાયોડિઝલને મંજૂરી આપવા માટે કોઈ પરિપત્ર નથી અમે કોઈ પરવાનગી આપતા નથી. હાલ કેટલા બાયોડિઝલ પંપ કાર્યરત છે. તે માટેના આંકડા એકત્રિત કરવા માટે ડીએસઓમાંથી સૂચના આવી છે. જે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.