સુરતઃ કોરોના વાઈરસથી છેલ્લા બે માસથી જાહેર કરેલા લોકડાઉન દરમિયાન સૌ કોઈની હાલત કફોડી બની છે. જીવલેણ કોરોનાથી શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું છે. પરંતુ આ વૈશ્વિક મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ઓનલાઈન એજ્યુકેશનની વિપરીત અસર થઈ રહ્યું હોવાના આક્ષેપ વાલી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ સિવાય વાલી મંડળ દ્વારા ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવાના નામે ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાના પણ આરોપ કરવામાં આવ્યા છે. જેનો સુરત વાલી મંડળ સખત વિરોધ કરે છે. ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનના નામે શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ પણ વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યા છે. જેથી જિલ્લા શિક્ષણ વિભાગ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવા અંગેનો નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે.