- એરપોર્ટના રન-વે નડતરરૂપ 27 પ્રોજેક્ટના ત્રણ હજારથી વધુ ફ્લેટ તોડી પડાશે
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2018 માં ખાનગી કંપની પાસે એક સર્વે કરાયો હતો
- 41 પ્રોજેક્ટ પૈકી 17 રેડ જ્યારે 24 ને ગ્રીન ઝોનમાં મૂકાઈ હતી
સુરત: હાઈકોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, બિલ્ડિંગ નડતર કન્સ્ટ્રકશન હોવાથી 2 ડિસેમ્બર સુધીમાં તોડીને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. એરપોર્ટના રન-વે નડતરરૂપ 27 પ્રોજેક્ટના ત્રણ હજારથી વધુ ફ્લેટ તોડી પડાશે તો રહીશોને ભારે મુશ્કેલીઓ થશે. ફ્લેટ ધારકો હવે 27 પ્રોજેક્ટના 3000 ફ્લેટ તોડી પડાશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે.
ફ્લેટ તોડી પડાશે તો રહીશો વડાપ્રધાનને પત્ર લખશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2018 માં ખાનગી કંપની પાસે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 41 પ્રોજેક્ટ પૈકી 17 રેડ જ્યારે 24 ને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવી હતી. આ 17 ઇમારતો તેના માન્ય અક્ષાંશ-રેખાંશથી એક મીટરથી દોઢ કિલોમીટર દૂર ઊભી કરવામાં આવી હોવાનો તે રિપોર્ટમાં ખુલાસો થયા બાદ તમામ સંલગ્ન સરકારી તંત્ર ચોંકી ઉઠયા છે. આ રિપોર્ટના આધારે જ હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ બીજી ચોંકાવનારી બાબત એ છે કે ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ 24 પ્રોજેક્ટ પૈકી 10 પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી પાલિકા દ્વારા રદ કરવામાં આવી છે. આથી આ સમગ્ર મામલામાં આજે 27 ઇમારતો સામે હાલ આંગળી ચિંધાઈ રહી છે. તેથી તેના રહીશો ભારે ઉચાટ અનુભવી રહ્યા છે.
હાલ 615 મીટર ઓછો રનવે ઉપયોગમાં લેવો પડી રહ્યો છે
સુરત એરપોર્ટ પર અગાઉ 2255 મીટરનો રનવે હતો, ત્યારબાદ તેને 64 કરોડના ખર્ચે 650 મીટર વેસુ તરફ લંબાવવામાં આવ્યો હતો. જેથી મોટા વિમાનોના કરી શકે પરંતુ વેસુ તરફની 27 ઇમારતો એર ફનલમાં નડતર રૂપ બનતા એરપોર્ટ ઓથોરિટી હાલ 615 મીટર ઓછો રનવે ઉપયોગમાં લેવો પડી રહ્યો છે. તેથી 64 કરોડ વેડફાઈ ગયા છે. ફ્લેટ ધારક ડોક્ટર અતુલ અભયંકરએ જણાવ્યું હતું કે, હાલ અત્યાર સુધી સ્થાનિક રહીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બિલ્ડરો દ્વારા ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને પીટીશન કરવામાં આવશે ત્યારબાદ શું સ્થિતિ રહેશે તે મુજબ આગળની કાર્યવાહી કરીશું.