- નેશનલ હાઇવે પર પણ ફરી વળ્યાં પાણી
- બારડોલીમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
- શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ
બારડોલી : સુરત જિલ્લામાં ઘણા દિવસો બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બારડોલી સહિત જિલ્લાના પલસાણા, કામરેજ અને મહુવામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બારડોલી મામલતદાર કચેરીની સામે આવેલી વસાહતમાં લોકોના ઘરોમાં પાણી ભરાય જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. આમ, લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો: Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ
સવારથી જ ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશયી થયા હતા. જેના કારણે શહેરના અમુક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ બાદ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને જાણ થતા જ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી.
બારડોલીમાં ઘરોમાં પાણી ઘુસ્યા
બારડોલીમાં નીચાણ વાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. શહેરના શામરીયા મોરા, RTO વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. મામલતદાર કચેરી સામેના વિસ્તારમાં ઘરોમાં કમર સુધીના પાણી ભરાય જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પણ વાંચો: Surat Rain Update : લાંબા વિરામ બાદ વરસાદની રિ-એન્ટ્રી
વૃક્ષ ધરાશયી થતા ત્રણ વીજપોલ તૂટી પડ્યા
ક્રિષ્ના નગર વિસ્તારમાં તોતિંગ વૃક્ષ પડતા 3 વીજપોલ તૂટી પડ્યા હતા. જીવંત વિજતાર તૂટી પડતા થોડીવાર માટે રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. વીજપોલ તૂટી પડતા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.
નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળ્યાં
ભારે વરસાદને કારણે સુરતના ચલથાણ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાય જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. કડોદરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.