સુરત: અડાજણ વિસ્તારમાં આવેલી કંપની દ્વારા લોકડાઉન વચ્ચે 50 જેટલા કર્મચારીઓના પગારમાં 50 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. આ બાબતે આજે શુક્રવારે તમામ કર્મચારીઓ રજૂઆત કરવા સુરત જીલ્લા કલેકટર કચેરીએ પહોચ્યાં હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
લોકડાઉનના કારણે સામાન્યથી મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. તેમાં પણ રોજિંદા કામ ધંધા કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં અડાજણની ગૂગલ પે બિઝનેશ કંપનીએ પોતાના 50 જેટલા કર્મચારીઓના પગારમાં 50 ટકા કાપ મુકતા કર્મચારીઓ ચિંતામાં મુકાયા છે. જેના પગલે આજે આ કર્મચારીઓ સુરત જિલ્લા કલેકટર રજૂઆત માટે પોહચ્યા હતા.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2019માં કંપનીમાં જોડાયા હતા. જ્યારે 16 થી 20 હજાર જેટલો પગાર અલગ અલગ કર્મચારીઓનો નક્કી કરાયો હતો. આ માટે કંપની તરફથી કર્મચારીઓને ઓફર લેટર પણ આપવામાં આવ્યા હતા. જોકે લોકડાઉન બાદ મોટાભાગના કર્મચારીઓના પગારમાં 50 ટકા કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. કંપની તરફથી પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.