- સુરતથી દૂધી લાવતા ગાંધીજીએ આગેવાનોને ઠપકો આપ્યો હતો
- 30મી માર્ચના રોજ સાંધીએર ગામમાં બપોરનું ભોજન કર્યું હતું
- ગામમાં જે ઉપલબ્ધ હોય તેનાથી ચલાવી લેવું: ગાંધીજી
સુરત: હાલમાં પસાર થઈ રહેલી યાત્રા ભલે આધુનિક સુવિધાથી સજ્જ હોય પણ તે સમયે ગાંધીજી અને તેમની સાથે આવેલા યાત્રીઓ સુખ સુવિધા મળે તો પણ લેવાનો ઇન્કાર કરી દેતા હતા. સુરત જિલ્લાના સાંધીએર ગામમાં ગાંધીજી માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનમાં બનાવવામાં આવેલા દૂધીના શાક માટે દૂધી સુરતથી લાવવામાં આવી હતી જેની જાણ બાપુને થતાં તેઓ નારાજ થયા હતા. તેમણે આગેવાનોને ઠપકો આપતા જણાવ્યું હતું કે, ગામમાં જે હોય તેનાથી જ ચલાવી લેવું તેમજ વધારાનો ખર્ચો કરવો નહીં.
સુરત જિલ્લામાં 1930ની દાંડીયાત્રાની યાદો હજી પણ તાજી
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા સુરત જિલ્લામાંથી નવસારીમાં પ્રવેશ કરવાની છે. ત્યારે સુરત જિલ્લામાં આજે પણ 1930ની એ યાત્રાની યાદો તાજી જોવા મળી રહી છે. ઓગણીસમાં દિવસે સવારે ઓલપાડ તાલુકાના ભટગામથી નીકળીને ગોલા, અછારણ થઈને બપોરે સાંધીયેર ગામે આવી પહોંચી હતી. ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રિકોનું ઠેર-ઠેર ગ્રામજનોએ ફુલહાર, સૂતરની આટી પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: આજે દાંડીયાત્રા દિવસઃ બાપુએ મીઠાના કાનૂન સામે અંગ્રેજને પડકાર ફેક્યો હતો
સાંધીએરના લોકો ગાંધીજીને લેવા 1 માઈલ સુધી સામે ગયા હતા
મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું 30મી માર્ચ 1930ના રોજ ઓલપાડ તાલુકામાં બપોરે સાંધીયેર આવ્યા હતા. સાંધીયેર ગામના 87 વર્ષના ગાંધી વિચારક અને રીયાર્ટડ પ્રોફેસર જયવદનલાલ સુરતીએ જણાવ્યું કે, અમારા ગામના સ્વ.પ્રભુભાઈ દેસાઈ, નારાયણભાઈ પટેલ, નરોત્તમભાઈ દેસાઇ જેવા ગાંધીવાદી પ્રખર કાર્યકરો ગાંધીજીને લેવા માટે સાંધીયેરથી એક માઈલ સુધી સામે ગયા હતા.
દૂધી સુરતથી લાવીને શાક બનાવતા આગેવાનોને ઠપકો આપ્યો
તેમણે કહ્યું કે, ગાંધીજી સાંધીયેર ગામે પીરની જગ્યા પાસે યાત્રિકો સાથે બપોરનો વિશ્રામ કર્યો હતો. બપોરે ગ્રામજનોએ ગાંધીજી માટે દુધીનું શાક અને દાળભાતનું ભોજન બનાવ્યું હતું. અગત્યની વાત તો એ છે કે, તે સમયે દુધી સાંધીયેર કે આસપાસના ગામમાં થતી ન હતી. જેથી સવારે સુરતની દુધી લાવ્યા હતા. જેથી ગાંધીજીને આ વાતની ખબર પડતા તેમણે આગેવાનોને ઠપકો આપતા કહ્યું કે, જે વસ્તુ ગામમાં ઉપલબ્ધ હોય તેનાથી જ ચલાવી લેવું જોઈએ. આમ ગાંધીજી સાથે સાંધીયેરનો અનોખો નાતો રહ્યો હોવાની પ્રતીતિ થાય છે.