સુરતઃ કોરોનાકાળની સૌથી ભયાનક વાત એ છે કે, પોઝિટિવ દર્દીના મૃત્યુ સમયે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના કોઈ સભ્ય હાજર રહેતા નથી. ત્યારે પરિવારના સભ્યની જેમ જ એકતા ટ્રસ્ટ દ્વારા તેમના ધર્મ અને જાતિના અનુસારે અંતિમવિધિ કરવામાં આવે છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 576 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે તેમજ આ મળીને શંકાસ્પદ દર્દીઓ સાથે 800 જેટલા લોકોના અંતિમ સંસ્કાર અબ્દુલ મલબારીના એકતા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કરવામાં આવે છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે જ્યારે પોઝિટિવ દર્દીના અંતિમ સમયે તેના કોઈપણ સ્વજન અંતિમક્રિયામાં હાજર રહેતા નથી એવા સમયે સુરતના અબદુલભાઈ તેમના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમ ક્રિયા કરતા હોય છે. સુરતમાં કોરોનાથી મોતને ભેટેલા ચારેય દર્દીના તેમના ધર્મ અનુસાર વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરનાર અબ્દુલ રહેમાન મલબારી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયા છે. ટ્રસ્ટના 10 જેટલા સભ્યો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ તેના અંતિમક્રિયામાં તેના કોઈ પરિવારના સભ્ય હાજર રહેતા નથી. આ એવા સમય છે જ્યારે સગા-સંબંધી અને પડોશીઓ પણ સાથ છોડી દેતા હોય છે ત્યારે અબ્દુલ રહેમાન મલબરી અને તેમનું એક્તા ટ્રસ્ટ તેમના અંતિમ સંસ્કાર વિધિ અનુસાર કરે છે. એકતા ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષોથી લાવારીસ લાશોની અંતિમ ક્રિયા કરે છે. તેઓ તેમની એમ્બ્યુલન્સમાં આ દરેક દર્દીને જાતે લઈ જઈને અંતિમક્રિયા કરાવે છે. અત્યાર સુધી અબ્દુલભાઈ ઓળખ વગરની લગભગ 50,000 મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે.
માનવતાને મહેકાવનાર અબ્દુલભાઈ સુરતીને અપીલ કરતા છે, આપણે અત્યાર સુધી સાવચેતી રાખી છે તો આગળ પર રાખવાની છે. હવે આ રોગ તેનું શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે અને આપણે લગભગ ત્રીજા ચરણ તરફ આગળ વધી રહ્યા છે. નાની નાની જરૂરિયાતને લઈને હજી પણ લોકો બહાર ફરી રહ્યા છે એ લોકોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓનો તરફડાટ જોયો નથી.