- સુરતમાં ગેરકાયદેસર લાકડાનો જથ્થો પકડવા જતી વન વિભાગની ટીમ પર હુમલો
- લાકડા ચોરોએ વન વિભાગની ટીમ પર કુલ્હાડીથી હુમલો કર્યો હતો
- વન વિભાગની ટીમે હુમલાથી બચવા ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
- મદદનીશ સંરક્ષક મોબાઇલ સ્કવોડ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
- ડેપોમાં લાકડાઓ છોલીને મોટા કન્ટેનરોમાં અન્ય શહેરોમાં પહોંચાતું હતું
- મહુવા વન વિભાગના નાક નીચે જ ચાલતો હતો ગેરકાયદેસર લાકડાનો ડેપો
બારડોલી: સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવારિયા ગામમાં મોટા પાયે લાકડાઓનો ગેરકાયદેસર જથ્થો એકત્રિત કરી તેને મોટા કન્ટેનરોમાં અન્ય શહેરોમાં પહોંચાડવાનું નેટવર્ક ચાલુ હતું. વન વિભાગને આની બાતમી મળતા માંડવીની મદદનીશ વન સંરક્ષક મોબાઈલ સ્કવોડની ટીમે દરોડા પાડ્યા હતા. સ્થળ પર દરોડા કરવા ગયેલી ટીમ પર ત્યાં ઉપસ્થિત શખસોએ કુલ્હાડાથી હુમલો કરવાનો પ્રયાસ કરતા વનકર્મીઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગથી લાકડાચોર શખસોમાં નાસભાગ મચી હતી. દરમિયાન બે શખસોને વનવિભાગે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને મળેલી બાતમીના આધારે મદદનીશ વન સંરક્ષક મોબાઈલ સ્કવોડના સુરેન્દ્રસિંહ કોસાડા, માંડવી દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઉપેન્દ્રસિંહ રાઉલજી તથ્ય અન્ય સ્ટાફની ટીમે ગુરુવારના રોજ મહુવા તાલુકાનાં મહુવારિયા ગામમાં દરોડા પાડ્યા હતા.
બે વનકર્મીઓ દ્વારા બબ્બે રાઉન્ડ ફાયરિંગ કરાયું
જ્યાં અંબિકા નદી કિનારે આવેલા એક ખેતરમાં અંદાજિત 10થી 12 શખસ કુલ્હાડાથી ખેરના લાકડાની ઘડતરી કરી રહ્યા હતા. વન વિભાગની ટીમને આવેલી જોતાં જ શખસ કુલ્હાડા લઈને સામે થયા હતા. આથી સ્વબચાવ અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજી અને રાઉન્ડ ફોરેસ્ટર પ્રકાશ દેસાઇએ સર્વિસ રિવોલ્વરથી હવામાં બે-બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતાં જ સ્થળ પર ઉપસ્થિત શખસોમાં નાસભાગ મચી ગઈ હતી. વનકર્મીઓએ નાસી રહેલા શખસોનો પીછો કરી નદી કિનારાના પટમાંથી સાવન સુભાષભાઈ પટેલ (રહે. મહુવારિયા, તા.મહુવા) અને ચંદ્રકાન્ત ઉત્તમ પટેલ (રહે. અલગઢ, તા. મહુવા, જિ. મહુવા)ને પકડી લીધા હતા.
વાહનો અને ખેરના લાકડા સહિત રૂ. 4.95 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વનવિભાગ દ્વારા સ્થળ પરથી એક પિકઅપ અને બે મોટર સાયકલ કિંમત રૂ. 1.20 લાખ તથા 392 નંગ ખેરના લાકડા (9.963 ઘન મીટર) કિમત રૂ.3.75 લાખ મળી કુલ 4.95 લાખનો મુદ્દામાલ કબજે લઈ ખેડપુર ડેપો ખાતે જમા કરવામાં આવ્યો હતો.
મુખ્ય સૂત્રધાર સુભાષ પટેલને ભાગેડુ જાહેર કરાયો
ખેરના લાકડા ગેરકાદયેસર રીતે એકઠો કરી છોલીને વેચવો એ ભારતીય વન અધિનિયમ- 1927 હેઠળ ગુનો બનતો હોવાથી વન વિભાગ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં મુખ્ય આરોપી સુભાષ રમણભાઈ પટેલ (રહે. મહુવારિયા)ને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
નદી કિનારે આખો ડેપો ગેરકાયદેસર રીતે ઊભો કરાયો હતો
મહુવા વન વિભાગ વિસ્તારમાં મોબાઈલ સ્કવોડની ટીમે દરોડા પાડી મોટા પાયા પર ચાલતા ગેરકાયદેસર લાકડાના ડેપોનો પર્દાફાશ કરતાં મહુવા વન વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. મુખ્ય સૂત્રધાર સુભાષ પટેલ આ નેટવર્ક ચલાવતો હતો. તેણે અંબિકા નદી કિનારે આખું ડેપો ગેરકાયદેસર રીતે ઊભુ કર્યું હતું. અહી તે ડોવલણ, જામણિયા, બેડચિત ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી ખેરના લાકડા ચોરી લાવી એકત્રિત કરતો હતો અને તેના માણસો મારફતે તે છોલાવી વ્યવસ્થિત રીતે કન્ટેનરોમાં ભરી દિલ્હી, વાપી, નવસારી, સહિતના શહેરોમાં સપ્લાય કરતો હતો. આટલા મોટા પાયે ચાલી રહેલા ડેપો છતાં મહુવા વન વિભાગનું ધ્યાન ન ગયું તે પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.