- દીક્ષા સમારોહ માટે સુરતના 27 સહિત 39 મુમુક્ષુઓને દીક્ષા મુહૂર્ત અપાયા
- 7 અને 10 વર્ષના સગા ભાઈઓ પણ સંયમના માર્ગે જશે
- દીક્ષાનગરી સુરતમાં ડાયમંડના બે વેપારી પણ દીક્ષા લેશે
સુરત : જૈન સમાજના શાસનમાં પ્રથમવાર 525 વર્ષમાં એક સાથે 59 મુહૂર્ત અપાયા છે. જેમાં દીક્ષાનગરી સુરતમાં ડાયમંડના બે વેપારી પણ દીક્ષા લેશે. 29 નવેમ્બરના રોજ યોજનાર આ દીક્ષા સમારોહ માટે સુરતના 27 સહિત 39 મુમુક્ષુઓને દીક્ષા મુહૂર્ત અપાયા છે. જેમાં 7 અને 10 વર્ષના સગાભાઈઓ પણ સંયમના માર્ગે જશે.
આ પણ વાંચો- સુરતમાં બેડમિન્ટનની ખેલાડી અને એન્જિનિયર બનવાની ઇચ્છા ધરાવતી યુવતી લેશે દીક્ષા
મુહૂર્ત મેળવનાર 27 ભાઈઓ અને 32 બહેનો છે
દીક્ષાનગરી સુરતમાં જૈન શાસનના છેલ્લા 525 વર્ષના ઇતિહાસમાં એક સાથે 59 જેટલા દીક્ષાના મુહૂર્ત અપાયા હોય તેવી આ સૌપ્રથમ ઘટનાથી નવો કીર્તિમાન સ્થપાયો છે. સુરતને અત્યાર સુધી લોકો ટેક્સટાઇલ અને ડાયમંડ નગરી તરીકે ઓળખતા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે સંયમના માર્ગે ચાલવા માટે જૈન ધર્મના અનેક લોકો દીક્ષા લઇ રહ્યા છે તેના કારણે હવે સુરતને દીક્ષાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. 29મી નવેમ્બરના રોજ સુરત ખાતે 7થી લઈને 68 વર્ષના 59 મુમુક્ષુ રત્નોને દીક્ષાના મુહૂર્ત અપાયા છે. આ મુહૂર્ત મેળવનાર 27 ભાઈઓ અને 32 બહેનો છે. 59માંથી 27 મુમુક્ષુ સુરતના છે.
આખા પરિવાર સાથે દીક્ષા લેતા ભોરોલ તીર્થના ચંપાબેન ભીખાલાલ મહેતા પરિવાર
સુરત મજુરાગેટના દયાળજી આશ્રમ અધ્યાત્મનગરી ખાતે ભગવંતોની પાવન નિશ્રામાં 59 દીક્ષાર્થીઓને મુહૂર્ત પ્રદાન થયા હતા. જૈનાચાર્યો મુક્તિપ્રભ સુરીશ્વરજી, યોગતિલકસૂરિજી, તપોરત્ન સુરીશ્વરજી, હિંકારપ્રભ સૂરિજી આદિ 400થી વધુ ચારિત્રધરોની નિશ્રામાં 59 દીક્ષાર્થીઓએ દીક્ષાના સંકલ્પની ઘોષણા કરાઈ હતી. દીક્ષાર્થીઓ વતી મુહૂર્ત પ્રદાન દિવસના લાભાર્થી તથા આખા પરિવાર સાથે દીક્ષા લેતા ભોરોલ તીર્થના ચંપાબેન ભીખાલાલ મહેતા પરિવારના ગુણવંતભાઈએ સૌ દીક્ષાર્થી વતી મુહૂર્તની યાચના કરી હતી અને સુરતના વેસુ બલર હાઉસ મધ્યે જગતના ચોકમાં દીક્ષા ધર્મનો જયનાદ કરવા જઈ રહેલા પાંચ દિવસીય સામૂહિક દીક્ષા મહોત્સવ અંતર્ગત દીક્ષાનો મંગળ દિવસ કારતક વદ-10 સોમવાર 29 નવેમ્બરનો અપાયો છે.
આ પણ વાંચો- સુરતમાં ચાર ચાર્ટડ એકાઉન્ટન્ટ સહિત 100 લોકોએ દીક્ષા લીધી
પરિવારના બે સગા ભાઈઓ લેશે દીક્ષા
ઐતિહાસિક દીક્ષા ગ્રહણના દિવસે બે હીરાના વેપારી સહિત એક જ પરિવારના બે સગા ભાઈઓ 7 વર્ષના મેઘકુંવર તથા દસ વર્ષના વીરકુંવર દીક્ષા લેશે. એટલું જ નહીં બાર વર્ષનો રિધમ પણ સાંસારિક સુખને ત્યાગી માર્ગે પ્રયાણ કરશે. ઉલ્લેખનીય છે કે, હજુ દીક્ષાને ત્રણ મહિના બાકી છે, ત્યારે દીક્ષા લેનારની સંખ્યા વધી પણ શકે છે. જિનચંદ્રસૂરિજીની પાવન નિશ્રામાં 45,36 અને18 દીક્ષા અપાઈ ચૂકી છે.
59માંથી સુરતના 27 દીક્ષાર્થીઓ
57 વર્ષીય | ભરતભાઈ દોશી |
55 વર્ષીય | વિપુલભાઈ મેહતા |
49 વર્ષીય | અશોક દોશી |
28 વર્ષીય | વિનીત સાદરીયા |
24 વર્ષીય | કુશાનકુમાર વોરા |
20 વર્ષીય | સંયમકુમાર સંઘવી |
17 વર્ષીય | પરમકુમાર દોશી |
16 વર્ષીય | વિમલકુમાર મહેતા |
7 વર્ષીય | મેઘ કુંવર શાહ |
57 વર્ષીય | વર્ષાબેન દોશી |
47 વર્ષીય | શર્મિષ્ઠાબેન દોશી |
25 વર્ષીય | ગ્રીશા સાદરીયા |
23 વર્ષીય | શ્રીયાકુમારી શાહ |
57 વર્ષીય | ચેતનકુમાર દોશી |
49 વર્ષીય | ગુણવંતભાઈ મહેતા |
31 વર્ષીય | પ્રિયેનકુમાર મહેતા |
24 વર્ષીય | શ્રેયાંસ મોરખીયા |
22 વર્ષીય | શૈલેષકુમાર શાહ |
19 વર્ષીય | રાજકુમાર મહેતા |
17 વર્ષીય | મનકુમાર સંઘવી |
10 વર્ષીય | વીર કુંવર શાહ |
58 વર્ષીય | વૈશાલીબેન મહેતા |
50 વર્ષીય | સીમાબેન મહેતા |
45 વર્ષીય | મીનાબેન મહેતા |
24 વર્ષીય | ભવ્યાકુમારી શાહ |
21 વર્ષીય | દર્શીકુમારી સંઘવી |
20 વર્ષીય | આંગી કોઠારી |