- સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
- સુરત જિલ્લામાં બે જ કલાક ફટાકડા ફોડી શકાશે
- ફટાકડાની લૂમ વેચવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
- 1 ડિસેમ્બર સુધી જાહેરનામું અમલી રહેશે
બારડોલી: રાજ્ય સરકારે દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવા માટેની ગાઈડલાઇન જાહેર કર્યા બાદ મંગળવારના રોજ સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ફટાકડા ફોડવા માટે રાત્રિના 8થી 10 એટલે કે માત્ર બે જ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે ફટાકડાની લૂમ ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ફટાકડા ફોડવાના શોખીનોમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે.
સૂરત જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવાર નિમિતે જાહેર જનતાને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી બચવા માટે ફટાકડાની બનાવટ/વેચાણ તથા ફટાકડા ફોડવા માટે અને આતશબાજી પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામથી થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકસાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.
જિલ્લામાં ફટાકડાને લઈ નીચે મુજબના પ્રતિબંધો રહેશે
- દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના 8:00થી 10.00 દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
- સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લુમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.
- હાનિકારક ધ્વની પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ઘ્વનિ સ્તર વાળા ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્રારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કીંગ હોવું જરૂરી છે.
- હોસ્પિટલ, નસીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
- કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.
- ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપ કાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં
- લોકોને અગવડ ઉભી ન થાય, કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય, તે માટે સુરત ગ્રામ્યના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ/સી.એન.જી પંપ, એલ. પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.
- કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/ આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. 1 ડિસેમ્બર સુધી આ હુકમ અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.