સુરત: શહેરમાં ખાડી પૂરના કારણે હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આજે મુસ્લિમ ગર્ભવતી મહિલા માટે ફાયર વિભાગના જવાનો દેવદૂત બનીને જાણે પહોંચી ગયા હતા. મહિલાને અચાનક જ પ્રસવપીડા થતા પોતાની માતાની સાથે હોસ્પિટલ જવા નીકળી હતી, પરંતુ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં બેથી ત્રણ ફૂટ જેટલું પાણી હોવાના કારણે હોસ્પિટલ સુધી પહોંચવાની મુશ્કેલી થઈ રહી હતી.
આ પરિસ્થિતિ વચ્ચે બોટ લઈ ફાયર વિભાગના જવાનો તેમની મદદ કરવા પહોંચી ગયા હતા. તેમને બોટમાં બેસાડી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પણ બે ફૂટથી વધુ પાણી હોવાના કારણે ગર્ભવતી મહિલા ઉતરી શકે એવી પરિસ્થિતિ નહોતી. પર્વત પાટિયાના આયુષ પ્રસુતિગૃહ આ બિલ્ડીંગના ચોથા માળે આવેલી છે. જ્યારે આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા પ્રસુતિગૃહ સુધી પહોંચવાની મુશ્કેલી થઈ રહી હતી. ગર્ભવતી મહિલા બોટથી કઈ રીતે ઉતરી હોસ્પિટલ સુધી પહોંચશે આ મોટો પ્રશ્ન સર્જાયો હતો.
મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડનાર ફાયર વિભાગના જવાનોએ એકબીજાના હાથથી સાંકળ બનાવી મહિલાને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. છેલ્લા કેટલાક સમયથી પૂર જેવી સ્થિતિમાં ફાયર વિભાગના જવાનો લોકોનો રેસ્ક્યુ અને જીવ બચાવવાનો કાર્ય કરી રહ્યાં છે. સતત 14 કલાક કાર્યરત ફાયર વિભાગના જવાનો ફરી એક વખત લોકો માટે દેવદૂત સાબિત થયા છે.