- દેવરકા હાઉસ ટેક્સટાઇલ માર્કેટમાં આગ
- ફાયરના જવાનોએ કાર્યવાહી હાથ ધરી
- લાખો રૂપિયાનું થયું નુકસાન
સુરત: સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં ફ્લેક્સ બેનર હોર્ડિંગમાં શોર્ટ સર્કીટના પગલે એકાએક ભીષણ આગ લાગતા ભારે નુકસાન પહોચ્યું હતું. આગને લીધે માર્કેટમાં મુકેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હતો.
આઠ ફાયર સ્ટેશનના વાહનો દ્વારા આગને કાબુમાં લેવાઇ
રાત્રે લગભગ 2.10 વાગ્યે બેગમવાડી સેન્ટ્રલ ઝોનમાં સ્થિત દ્વારકા હાઉસ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા શહેરના આઠ સ્ટેશનના ફાયર વાહનો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી પરંતુ માર્કેટમાં મુકેલા લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું. આશરે ચાર કલાકની મહેનત બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી.
તહેવારો પર ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો માર્કેટમાં જતા હોય છે. આ ઘટના રાત્રિના સમયે બનતા મોટી હોનારત થતા રહી ગઈ હતી. પરંતુ આવી ઘટનાઓને લીધે સુરતના બજારોમાં આગના બનાવો અંગે કેવી તકેદારી રાખવામાં આવે છે તેની વાસ્તવિકતા છતી થાય છે. આ અંગે માર્કેટમાં મુકાયેલા ફાયર સેફ્ટીના સાધનો અંગે પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.