સુરત : વડોદરા મુંબઈ એક્સપ્રેસવેમાં સંપાદિત થતી જમીનના એવોર્ડ આપવા માટે કંપનીના અધિકારીઓ પલસાણા તાલુકાનાં પુણી અને બારડોલી તાલુકાનાં ભૂવાસણ ગામે આવ્યા હતા. જ્યાં ખેડૂતોએ એવોર્ડ સ્વીકારવાની ના પાડતાં અધિકારીઓએ પરત ફરવું પડ્યું હતું. બે દિવસ પહેલા પલસાણાના એના ગામે એક્સપ્રેસવેના અસરગ્રસ્ત ખેડૂતોએ એવોર્ડ સ્વીકારવાની ના પાડતા અધિકારીઓએ એક નવો તુક્કો અપનાવ્યો હતો.
પલસાણા તાલુકાના પૂણી ગામે આવેલા કંપનીના અધિકારીઓ તલાટી કમ મંત્રીને કવર આપીને જતાં રહ્યા હતા. આ વાતની જાણ ખેડૂતોને થતાં તેઓ તલાટી પાસે પહોંચ્યા હતા. તલાટીએ કોઈ સરકારી કાગળ હોવાનું જાણી કવર લીધું હોવાનું ખેડૂતો સમક્ષ જણાવ્યુ હતું.
અધિકારીઓ ભૂવાસણ ગામે ગયા હોવાનું જાણવા મળતા ખેડૂતો ભૂવાસણ પહોંચ્યા હતા.જ્યાં ભૂવાસણ ગામના અસરગ્રસ્ત ખેડૂતો પણ એકત્રિત થઈ એવોર્ડ સ્વીકારવાની ના પડી હતી. પૂણીના ખેડૂતો અધિકારીઓને પરત પૂણી લઈ જઈ કવર પાછું આપ્યું હતું. ખેડૂતોમાં એવોર્ડ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમ છતાં અધિકારીઓ ખેડૂતોથી છુપાવીને એવોર્ડ આપવાની કોશિષ કરવામાં આવી રહી છે.
બીજી તરફ કામરેજ તાલુકાનાં સેગવા ગામે કંપનીનો કોઈ ખાનગી વ્યક્તિ તલાટીને એક કવર આપીને જતો રહ્યો હતો. જે અંગે ખેડૂતોને ખબર પડતાં તેઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા. તલાટીને આ કવર કેમ સ્વીકાર્યું તેમ કહી ઉધડો લીધો હતો. બાદમાં તલાટીએ જે વ્યક્તિ કવર આપી ગયો હતો તેને ફોન કરીને બોલાવ્યો હતો અને કવર પરત કર્યું હોવાનું જાણવા મળ્યું છે.