- દિલ્હીના ખેડૂતોને ગુજરાત ખેડૂત સમાજનું સમર્થન
- દરેક જિલ્લામાં બંધની અસર જોવા મળશે
સુરત: દિલ્હી ખાતે નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યુ છે. જેને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. આ સાથે જ 8મી ડિસેમ્બરે ખેડૂત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં બંધની અસર જોવા મળશે. ખેડૂત સમાજ દ્વારા ટ્રેડ યુનિયનોનો સંપર્ક કરાયો છે અને જે લોકો વોલેન્ટીયર છે તેમનો સંપર્ક કરી બંધમાં જોડાવવા માટે આહ્વાન આપવામાં આવશે.
11મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંસદ આયોજીત થશે
જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બંધની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ ખેડૂત સમાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં દરેક જિલ્લામાં 10મી ડિસેમ્બરના રોજ રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવશે. 11મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં ખેડૂત સમાજ ખેડૂત સંસદ આયોજન યોજશે. જ્યારે 12મી ડિસેમ્બરના રોજ ખેડૂતો દિલ્હી જવા માટે પ્રયાણ કરશે.
દરેક જિલ્લાથી ખેડૂતો દિલ્હી જશે
જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દરેક જિલ્લામાંથી 100થી 150 જેટલા ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થશે અને આ આંદોલનમાં પોતાનું યોગદાન આપશે. ગુજરાતથી આશરે 4 હજાર જેટલા ખેડૂતો 12 મી ડિસેમ્બરના રોજ આ આંદોલનમાં જોડાઈ શકે છે.