- રાજ્યના અંદાજે 2,000 લોકો મ્યુકરમાઈકોસીસ નામના રોગનો કરી રહ્યા છે સામનો
- આ રોગના અનેક કિસ્સાઓમાં લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી
- આ રોગ કોરોના પછી સાજા થયેલા વ્યક્તિઓને વધારે થઈ રહ્યો છે
સુરતઃ શહેરના કતારગામ ખાતે આવેલા કિરણ હોસ્પિટલમાં નાક, કાન, ગળાના સ્પેશિયાલિસ્ટ તબીબો પાસે દરરોજ 15થી 20 કેસ મ્યુકરમાઈકોસીસના નોંધાઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 40 પેશન્ટ આ રોગના દાખલ થયા છે અને હાલ ઓપરેશન માટે 60થી વધુ લોકો વેઈટિંગમાં છે. જે પૈકી 7 દર્દીને આંખના ઓપરેશન કરવાની ફરજ પડી છે. આ અત્યંત ગંભીર રોગના લક્ષણો ખૂબ જ સામાન્ય છે, જો સમયસર સારવાર ન મળે તો આ રોગ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. તેમજ અનેક કિસ્સાઓમાં લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી છે. આ રોગ કોરોના પછી સાજા થયેલા વ્યક્તિઓને વધારે થઈ રહ્યો છે.
ડાયાબિટિશ ઉપરાંત કેન્સર અથવા તો ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ
આ રોગ અંગે કિરણ હોસ્પિટલના ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, આ રોગ પોસ્ટ કોરોના ઇફેક્ટ છે. મોટાભાગે ડાયાબિટીસના દર્દીઓ અથવા તો જેને ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે આવા દર્દીઓ જ્યારે કોરોનાથી સાજા થઈને ઘરે આવે છે ત્યારે તેમાં આ રોગ વધારે જોવા મળી રહ્યો છે. આ રોગના દર્દીઓ જો સમયસર સારવાર નહીં લે તો આંખની રોશની ગુમાવવી પડે છે અથવા તો મોત થાય છે. અનેક કેસમાં સ્ટીરોઇડ આપવાથી સુગર લેવલ વધે છે, જે બાદમાં દર્દીને આડ અસર કરે છે. ડાયાબિટિશ ઉપરાંત કેન્સર અથવા તો ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ હોય છે.
આ પણ વાંચો- અમદાવાદ બાદ વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો પગપેસારો, મ્યુકરમાઇકોસિસ રોગથી એક વૃદ્ધનું મોત
ફંગસ મગજ સુધી પહોંચી જાય તો વ્યક્તિનું બચવું મુશ્કેલ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ જે લોકોમાં ઓછી હોય તેમને આ રોગ વધારે થવાની સંભાવના હોય છે. આ ફન્ગસની શરૂઆત નાક ભરાઈ જાય ત્યાંથી શરૂ થાય છે અને ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ જતી હોય છે અને ધીમે ધીમે ફેફસા અને મગજ સુધી પહોંચી જાય છે. જો સમયસર સારવાર નહીં કરવામાં આવે તો દર્દીનું મોત નિપજે છે. બીમારીમાં શ્વાસ લેવામાં થતી તકલીફો અને આંખ ઝીણી થવી અથવા તો ચહેરા પર એક બાજુ સોજો આવવો આ લક્ષણ છે. જો ફંગસ આખ સુધી જાય તો આંખની રોશની જવાની નોબત આવે છે અને જ્યારે આ ફંગસ મગજ સુધી પહોંચી જાય તો વ્યક્તિનો બચવું મુશ્કેલ બની જાય છે.
ઓપરેશન માટે 60થી વધુ લોકો વેઈટિંગમાં
ડૉક્ટર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર તેમના જ હોસ્પિટલમાં 40થી વધુ કેસ અત્યાર સુધી આવી ચૂક્યા છે અને ઓપરેશન માટે 60 થી વધુ વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરત જ નહીં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના જિલ્લાઓથી દર્દીઓ હાલ સુરત આવી રહ્યા છે. જેના કારણે વેઇટિંગ વધુ છે. સર્જરી બાદ વ્યક્તિને દોઢ મહિના સુધી ઇન્જેક્શન લેવાનું હોય છે એક દિવસમાં 4થી 5 ઇન્જેક્શન લેવા પડતા હોય છે. હાલ જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તેના કારણે ઇન્જેક્શન ની અછત સર્જાઈ છે.
આ પણ વાંચોઃ વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ
એક જ હોસ્પિટલમાં 7 લોકોએ આંખની રોશની ગુમાવી
કિરણ હોસ્પિટલના આંખના નિષ્ણાંત ડૉ. સંકીત શાહે જણાવ્યું હતું કે, આ એક ગંભીર બીમારી છે. કોરોના બાદ તેની અસર દર્દીઓમાં જોવા મળી રહી છે. હાલ જ અમે 7 એવા ઓપરેશન કર્યા છે જેમાં દર્દીને આંખની રોશની ગુમાવવી પડી છે. જો સમયસર સારવાર નહીં કરવામાં આવે તો આ ફંગસ મગજ સુધી જઈ શકે છે. જે જીવલેણ સાબિત થઇ શકે. આંખોમાં સોજો, ડબલ દેખાઉ, ધુધળુ દેખાવું, આંખ બહાર નીકળી આવવી જેવી આ તમામ આ રોગના લક્ષણો છે. જેથી ખબર પડે છે કે આ રોગ હવે આંખ સુધી પહોંચી ગયો છે.
સર્જરી અને ઈન્જેક્શનનો ખર્ચ 7 લાખથી પણ વધું
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આ રોગ દેશના તમામ એવા શહેરોમાં જોવા મળે છે કે જ્યાં કોરોના સંક્રમણની સંખ્યા સૌથી વધારે છે. આ રોગમાં સર્જરી સાડા પાંચ લાખથી લઈને સાડા સાત લાખ સુધીની થાય છે. એક દિવસમાં ચારથી પાંચ ઇન્જેક્શન દર્દીઓને લગાડવામાં આવતું હોય છે આ રીતે દોઢ મહિના સુધી દર્દીને ઇન્જેક્શન લગાડવામાં આવતું હોય છે અને એક ઈન્જેક્શનની કિંમત કંપની પ્રમાણે 4000 અથવા તો 7000 સુધી પહોંચી જતી હોય છે હાલ ઇન્જેક્શનની અછત સર્જાઈ છે.