- સુરતના ચોક બજારમાં પિતા-પુત્રના ઝઘડામાં પુત્રનું મોત
- પિતાએ ઝઘડો થતા પુત્રનું ગળું દબાવી હત્યા કરી
- પિતાએ પોલીસને કુદરતી મોત થયું હોવાનું જણાવ્યું હતું
- પોલીસને શંકા જતા મૃતકનું પોસ્ટમોર્ટમ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
સુરતઃ શહેરના ચોક બજાર વિસ્તારમાં પિતાએ પોતાના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, શરૂઆતમાં પિતાએ પુત્રનું મોત કુદરતી કારણોસર થયું હોવાનું જણાવ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં આરોપી પિતાએ જ તેના પુત્રની હત્યા કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 5 દિવસ પહેલા ફાઈવ સ્ટાર હોટેલના કર્મચારીની હત્યા કરનારા 4 આરોપીની ધરપકડ
પોલીસને શંકા જતા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
આ અંગે મળતી માહિતી અનુસાર, વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં કારભારી માળીની પોતાના બે પુત્રો અને પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલાં તેમના પુત્ર સાગરનું મોત થયું હતું. જોકે, પોલીસને તેનું મોત કુદરતી કારણોસર થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસને આ મામલે શંકા જતા પોલીસે મૃતક સાગરનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં મૃતકનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. એટલે પોલીસે આ મામલે આરોપી પિતાની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી.
અગાઉ TRBમાં નોકરી કરતો હતો
પોલીસે જણાવ્યું હતું કે, સાગર દોઢ વર્ષ અગાઉ TRBમાં નોકરી કરતો હતો, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે કોઈ કામધંધો નહતો કરતો. તેના અવાર નવાર પિતા સાથે ઝઘડા થયા હતા. તો આવેશમાં આવીને તેના પિતાએ મૃતક સાગરનું ગળું દબાવી દેતા તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે સાગરના ભાઈએ તેના આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.