- સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી ઘટના
- દુકાન બહાર માણી રહ્યા હતા દારૂની મહેફિલ
- દુકાનધારકે ટોકતા ઉશ્કેરાઈને કર્યો પથ્થરમારો
સુરત: ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે નોંધાયેલી હોય તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. સુરતમાં આજે પણ દારૂ વેચાઈ અને પીવાઈ રહ્યો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. એવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. પાંડેસરામાં એક દુકાન બહાર દારૂ પી રહેલા કેટલાક લોકોને દુકાનધારકે ટોકતા ઉશ્કેરાયેલા પીધેલાઓએ દુકાન પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસ પહોંચે તે પહેલા જ તમામ લોકો ફરાર
દારૂડિયાઓએ દુકાનધારક સાથે બોલાચાલી કર્યા બાદ પથ્થરમારો કરતા મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને દારૂડિયાઓને પકડવાની કોશિશ પણ કરી હતી. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલા જ તમામ પીધેલાઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જેથી પોલીસે માત્ર સ્થળ પર એકત્ર થયેલા લોકોને વેરવિખેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.