- સુરત સિવિલમાં ફરજ બજાવતા ડૉક્ટરે કોરોનાને 10 દિવસમાં હરાવ્યો
- કોરોના સ્વસ્થ્ય થતા ડૉક્ટર પરત જોડાયા ફરજ પર
- કોરોનામાં પોઝિટિવ અભિગમ રાખવો આવશ્ક
સુરત:મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની ડૉ.નેહા પરિવારથી દૂર રહી સુરત સિવિલમાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, 'તારીખ 5મી એપ્રિલે મને શરીરમાં સામાન્ય નબળાઈ સાથે તાવ અને માથાનો દુઃખાવો શરૂ થયો હતો. જેથી રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો, જેથી નવી સિવિલમાં સારવાર માટે દાખલ થઈ. ઓક્સિજન લેવલ નોર્મલ હતું, ચાર દિવસમાં જ રિકવરી આવતા, તબીબોએ આઈસોલેશનમાં રહી સારવાર લેવા જણાવ્યું હતું. શ્વાસ લેવામાં કે અન્ય કોઈ સમસ્યા ન હોવાથી 06 દિવસ આઈસોલેટ થઈને સારવાર મેળવી હતી. કુલ 10 દિવસની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ અને રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો. જેથી ફરીવાર તા.16મી એપ્રિલે ફરજ પર હાજર થઈ છું. તેઓ જણાવે છે કે, હું ગયા જુલાઈ-2020માં પણ કોરોના સંક્રમિત થઈ હતી.
સરકારના દિશાનિર્દેશનું પાલન કરવું એક સભ્ય નાગરિક તરીકે આપણા સૌની ફરજ
ડૉ.નેહા જણાવે છે કે, પરિવાર દૂર છે, પણ સિવિલના સ્ટાફ અને દર્દીઓને મારો પરિવાર માનું છું. સારવાર લઇ રહેલા તમામ પેશન્ટોને સ્વસ્થ કરવાનો સંકલ્પ કર્યો છે. સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી ફરજને પ્રાધાન્ય આપીશ. પરિવાર પણ કોરોના દર્દીને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘરના સભ્યો હિંમતથી કામ કરવા અમારો ઉત્સાહ વધારે છે.
આ પણ વાંચો : પલસાણાના ગંગાધરમાં 58 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ
પોઝિટિવ આવો ત્યારે પોઝિટિવ અભિગમ રાખો
ડો. નેહા કહે છે કે, પોઝિટીવ આવો ત્યારે પોઝિટીવ અભિગમ રાખીશું તો ઝડપથી સ્વસ્થ થઈ શકાય છે. આપણું મનોબળ ગમે તેટલો ગંભીર રોગ હોય તેની સામે લડવાની તાકાત આપે છે. માસ્ક પહેરીને જ ખુલ્લામાં જવું જોઈએ. સરકારના દિશાનિર્દેશનું પાલન કરવું એક સભ્ય નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે. ડૉ.નેહા જેવા અનેક ડોકટરો, આરોગ્ય સ્ટાફ પરિવારની પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરીને દેશસેવા કરી રહ્યાં છે, એમને બિરદાવવા જ રહ્યાં.