- સુરતમાં અંદાજે 1600 જેટલી સોફટવેર કંપનીઓ આવેલી છે
- 10 હજાર કરતા વધારે લોકોને નવી રોજગારી મળી રહે છે
- કોમ્પ્યુટર ક્ષેત્રે સ્નાતક થયેલો પુરતો મેનપાવર સુરતમાં છે
સુરત: ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન કિશોર કાનાણીની આગેવાનીમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી મનિષ કાપડીયા તથા ચેમ્બરની આઇટી કમિટીના ચેરમેન ગણપત ધામેલીયા અને કો–ચેરમેન પુનિત ગજેરાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધા વિજય રૂપાણી અને અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સાથે રૂબરૂ મુલાકાત કરી સુરત શહેરને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) હબ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી તે સંદર્ભે મહત્વની ચર્ચા કરી હતી.
મુખ્યપ્રધાનને કરવામાં આવી રજૂઆત
ચેમ્બર દ્વારા મુખ્યપ્રધાન એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સુરતએ ગુજરાત માટે આર્થિક પાટનગર છે. સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે. સુરતમાં ત્રીજા ઉદ્યોગના વિકલ્પ તરીકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ઇન્ડસ્ટ્રી ઉભરી આવી શકે એવી શકયતાઓ દેખાઇ રહી છે. કોમ્પ્યુટર ક્ષેત્રે સ્નાતક થયેલો પુરતો મેનપાવર સુરતમાં છે. સોફટવેર અને આઉટ સોર્સિંગનું કામ કરતી મોટી કંપનીઓ પણ સુરતમાં શરૂ થઇ ગઇ છે. જો પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધા મળે તો સુરત આઇ.ટી. હબ બની શકે તેમ છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં ઘણા સ્ટાર્ટઅપ શરૂ થયા છે. વેબ ડિઝાઇનીંગ અને એપ્લીકેશન તથા સોફટવેર સંલગ્ન કામો સુરતમાં શરૂ થઇ ગયા છે. એના માટે જોઇએ તેઓ સ્ટાફ મળી રહયો છે, જે ખૂબ જ મહત્વની બાબત છે.
આ પણ વાંચો : સુરત કાપડના વેપારીઓએ ઓનલાઇન માધ્યમોનો વેપાર શરૂ કર્યો
શહેરીજનોને મળી રહેશે રોજગાર
આવનારા દસ વર્ષમાં સુરત આઇ.ટી. હબ તરીકે ઓળખ ઉભી કરી શકે તેમ છે, કારણ કે, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને લગતા સોફટવેર સુરતમાં જ બનાવવામાં આવે છે. સુરતમાં અંદાજે 1600 જેટલી સોફટવેર કંપનીઓ આવેલી છે. જેમાં કર્મચારીઓની સંખ્યા પાંચથી લઇને 500 સુધીની છે. જેના થકી 10 હજાર કરતા વધારે લોકોને નવી રોજગારી મળી રહે છે. સુરતને એપ, ગેમ અને યુ–ટયુબ દ્વારા જાહેરાતો થકી ગૂગલ દર મહિને 100 કરોડથી વધારે ચૂકવે છે.
સોફટવેર કંપનીઓમાં મહિલાઓની સંખ્યા 35 ટકા જેટલી
સુરતમાં ઇ–કોમર્સ, ડાયમંડ, ટેકસટાઇલ, એકાઉન્ટીંગ, એચ.આર. મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, સી.આર.એમ., બેન્કીંગ, સાઇબર સિકયોરિટી, હોટલ મેનેજમેન્ટ વિગેરે ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સોફટવેર સુરતની જ સ્થાનિક સોફટવેર કંપની દ્વારા બનાવવામાં આવેલા છે. ઓટોમેશનને લગતા આઇ.ટી., એ.આઇ. અને મશીન લર્નિંગને લગતા સોફટવેર પણ સુરતમાં વિકસાવવામાં આવેલા છે. સોફટવેર કંપનીઓમાં મહિલાઓની સંખ્યા 35 ટકા જેટલી છે તે જોતા મહિલાઓ પણ આત્મનિર્ભર થઇ રહી છે. જેમાં 500 જેટલી ઇ–કોમર્સ સાઇટ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરાયેલી વસ્તુઓના વેચાણ માટેની છે.
આ પણ વાંચો : 10 એશિયન અને 6 યુરોપિયન દેશો વચ્ચે ડ્યુુટી ફ્રી વેપારનો કરારઃ કાપડ ઉદ્યોગને નુકસાન થવાની ભીતિ
સ્થાનિક લોકોને પૂરતું મહેનતાણું મળી રહે
આગામી વર્ષોમાં સુરત આઇ.ટી. હબ તરીકે વિકસશે તો સ્થાનિક લોકોને પૂરતું મહેનતાણું મળી રહેશે. જેથી કરીને સુરતના આઇ.ટી. પ્રોફેશનલોને બેંગ્લોર, પૂણે અને મુંબઇ જેવા શહેરોમાં જવું નહીં પડશે. આથી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને સુરતમાં આઇ.ટી. ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાની દિશામાં પ્રયાસ કરે તેવો અનુરોધ ચેમ્બર દ્વારા મુખ્યપ્રધાન કરવામાં આવ્યો હતો.
આઇ.ટી. કંપનીઓ ડેવલપ થાય તે રીતનું વાતાવરણ ઉભું કરવામાં આવશે
ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ ડેવલપ થાય તે માટે સરકાર દરેક પ્રકારની મદદ કરશે. બહારની કંપનીઓ પણ સુરતમાં આવીને ડેવલપ થઇને પોતાના સેન્ટર શરૂ કરે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે. સુરતમાં આઇ.ટી. કંપનીઓ ડેવલપ થાય તે રીતનું વાતાવરણ ઉભું કરવામાં આવશે.