- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયાનો સુરત પ્રવાસ રદ્દ
- ગુજરાતીમાં ટ્વિટ કરીને તબિયત નાદુરસ્ત હોવાની આપી માહિતી
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે સુરત
સુરત: રાજ્યમાં કોરોનાના ઘટતા કહેરને લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022( Gujarat Assembly Election 2022 )ને લઈને રાજકીય હલનચલન ચાલું થઈ ગઈ છે, ત્યારે આવતી કાલે ગુરૂવારના રોજ આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણ પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા ( Deputy Chief Minister Manish Sisodia ) ગુજરાત પ્રવાસે આવવાના હતા. તેઓના સુરત આગમનને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન સિસોદિયાના સુરત આગમન વખતે અનેક મોટા નામો આપમાં જોડાઈ તેવી પણ ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે મનીષ સીસોદીયાનો સુરત આવવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જેને લઈને તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
આ પણ વાંચો: છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુરૂવારે સુરતમાં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આવતી કાલે ગુરૂવારના રોજ સુરત કોર્ટમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. સુરતમાં તેઓ પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો. જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ સુરતમાં ધામા નાખ્યા છે. તો બીજી તરફ, દિલ્હીના શિક્ષણ પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા પણ સુરત આવી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમનો સુરત આવવાનો કાર્યક્રમ રદ્દ્ કરવામાં આવ્યો છે. આ અંગે, તેમણે ગુજરાતીમાં ટ્વિટ કરીને માહિતી આપી હતી.
આ પણ વાંચો: સુરત ભાજપમાં ભડકો: 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
તબિયત નાદુરસ્ત હોવાથી કાર્યક્રમ રદ
મનીષ સીસોદીયાએ પોતાના ટ્વીટમાં ગુજરાતીમાં લખ્યું હતું કે, કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ હવે આવતીકાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. કાલે હું ગુજરાત નહિ આવી શકું તેનો ખેદ છે પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ.