સુરત : કોરોના કાળમાં એક તરફ દરેક ઉદ્યોગોમાં મંદી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ આવનારા તહેવારોને લઈને હોમ મેકર્સ ઘરબેઠા કમાણી કરી રહ્યા છે. વળી લોકડાઉનમાં 'વર્ક ફ્રોમ હોમ' શબ્દ વડે એવી ગૃહિણીઓ કે જેઓ ઘરે રહીને જ કામ કરવા માંગે છે. તેમની જિંદગીમાં નવો જ વળાંક લાવ્યો છે. ત્યારે આવનારા દિવાળી પર્વને લઈને સુરતમાં હોમમેડ ચોકલેટની અલગ-અલગ વાનગીઓની ડિમાન્ડ વધી છે.
હોમમેકર હર્ષા શ્રોફના મતે કોરોનાને કારણે હોમમેકર્સના વેપારમાં ખૂબ જ વધારો થયો છે. હોમમેકરે બનાવેલી વાનગીઓ સુરક્ષિત હોવાથી તેમજ ઉચી ગુણવત્તા તેમજ શુદ્ધ હોવાથી લોકોની પસંદગી બની છે. તેમાં પણ આવનારા નવરાત્રિ અને દિવાળી પર્વને લઈને ખાસ કરીને ચોકલેટના ગિફ્ટ હેમ્પર બનાવનાર હોમમેકર્સને વધુ ઓર્ડર મળી રહ્યા છે. કોરોનાને કારણે ઘણા લોકો બજારમાં ખરીદી કરવા માટે જતા ખચકાઈ રહ્યા છે ત્યારે હોમમેકર દ્વારા બનાવાયેલી ચોકલેટની વાનગીઓની ડિમાન્ડ વધવા પામી છે.
આવનારા દિવાળી પર્વમાં ચોકલેટ ગિફ્ટના ઘણા ઓર્ડર હોમમેકર્સને મળી રહ્યા છે. ઘણી કોર્પોરેટ કંપનીઓ પણ મોટા મોટા ઓર્ડર આપી રહી છે જેને લઇને ગૃહિણીઓને પણ પોતાની ટેલેન્ટ બતાવવાની તક મળી રહી છે. ઓર્ડરને પૂરા કરવા માટે ગૃહિણીઓ પણ મહેનત કરી રહી છે અને બનાવવાથી લઈને હેમ્પર પેકિંગની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પિસ્તાચીયો બાઈટ, ટ્રફલ, કેપેચિનો, દિલરૂબા, બબલગમ, માર્શમેલો જેવી ચોકલેટને એસોર્ટ કરીને અલગ-અલગ ટેસ્ટ આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ સિનિયર સીટીઝન માટે સુગર ફ્રી તેમજ નાના બાળકોને લઈને પણ ખાસ પ્રકાર ચોકલેટ બનાવવામાં આવે છે.જેથી દરેક ઉંમરની વ્યક્તિ તેનો આનંદ મેળવી શકે.
ચોકલેટ મેકર હર્ષા શ્રોફએ જણાવ્યું હતું કે, ગત વર્ષ સુધી જે ધંધો 70 ટકા જેવો હતો તે આ વર્ષે કોરોનાને કારણે 100 ટકા જેવો થઈ ગયો છે. તેમાં કસ્ટમાઈઝડ મેસેજ એન્ગ્રેવ કરાવી ગિફ્ટ કરી શકાતા હોવાથી લોકોની પસંદગી વધી છે. આ વર્ષે ઘણી કોર્પોરેટ કંપનીઓ કલાઈન્ટના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમારા જેવા હોમમેકર્સને ઓર્ડર આપવાનું વધારે પસંદ કરી રહ્યા છે, જેથી ચોકલેટ ગિફ્ટ હેમ્પર એક સુરક્ષિત હાથમાંથી બીજા સુરક્ષિત હાથમાં જ જાય અને માર્કેટમાંથી ન આવે.