દીપડાના આતંકને લઈ વન અને પર્યાવરણ પ્રધાન ગણપતસિંહ વસાવાની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં 7 વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો હતો. જે ઘટનામાં બાળક હાલ સ્વસ્થ છે. જ્યારે પાટોલમાં થયેલા દીપડાના હુમલામાં 1 બાળકનું મોત થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાંથી 25 જેટલા દીપડા પકડી લેવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી 60 જેટલા દીપડાને પકડવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાનાને અટકાવવા માટે સોમવારે એક બેઠક રાખવામાં આવી છે.
વસાવાએ કહ્યું કે, લોકોને ખુલ્લામાં ન ઉંઘવા જેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકજાગૃતિ માટે પેમ્પ્લેટ પણ છપાવવામાં આવ્યા છે, જેનાથી લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત માંડવી અને ડાંગ જિલ્લામાં રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે. જે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વસાવાએ કહ્યું હતું કે, જિલ્લામાં 90 વ્યક્તિઓ દ્વારા દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત નાઈટ વિઝન કેમેરા અને પાંજરા પણ મુકવામાં આવ્યા છે.
દીપડાના હુમલાનો ભોગ બનેલા પરિવાર અંગે પ્રધાને જણાવ્યું હતું કે, હાલ માંડવીમાં રાજ્ય સરકારની યોજના પ્રમાણે મૃતક બાળકોના પરિવારને સહાય આપવામાં આવી રહી છે.