- 92 વર્ષની વયે કેશુબાપાનું અવસાન
- પૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલે આપી શ્રદ્ધાંજલિ
- ગુજરાતમાં કેશુભાઇએ ખૂણે-ખૂણે પાણી પહોંચાડ્યું
સુરત : પૂર્વ મુખ્યપ્રધાન અને પાટીદારના અગ્રણી નેતા એવા કેશુભાઈ પટેલનું 92 વર્ષે નિધન થયું છે. તેમના નિધનની વાત સાંભળતા જ ભાજપના નેતાઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેમજ તેમની સાથે કામ કરી ચૂકેલા તમામ લોકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
પૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલે દુઃખ વ્યક્ત કર્યું
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સાથેના સંભારણા વગોળતા પૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે પીવાનું પાણી મળી રહ્યું છે, તે કેશુભાઈનો આશીર્વાદ છે.
ઉત્તર ગુજરાત સુધી કેશુભાઈએ પાણી પહોંચાડ્યું
વર્ષ 1995માં જ્યારે કેશુભાઈની સરકાર હતી, તે દરમિયાન તેમના પ્રધાનમંડળમાં પાણી પુરવઠા પ્રધાન તરીકે કામ કરતાં નરોત્તમ પટેલ સાથે ETV BHARATએ વાત કરી હતી. જે દરમિયાન નરોત્તમ પટેલે કેશુભાઈના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉત્તર ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની અછત હતી, ત્યારે નર્મદા ડેમમાં પ્રોજેક્ટ સાકાર કરી આ પાણી કેનાલ મારફતે ઉત્તર ગુજરાત સુધી કેશુભાઈએ પહોંચાડ્યું હતું.
કેશુભાઈએ ખેડૂતો માટે પણ કામ કર્યું
પૂર્વ પાણી પુરવઠા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કેશુભાઈએ ખેડૂતો માટે પણ એટલું જ કામ કર્યું છે. ખેડૂતોને પાણી અને વીજ પૂરવઠો મળી રહે, તે માટે પણ કેશુભાઈ સફળ પ્રયાસ કર્યા હતા. જો કે, હાલ તેમને જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમની યાદ ભવિષ્યમાં પણ લોકોના આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી.