- મૃતકોના Death Certificate સરળતાથી મળે તે માટે છે ઈ ઓળખ પોર્ટલ
- ઈ ઓળખ પોર્ટલ હોવા છતા સુરતમાં લોકો Death Certificate માટે ખાય છે ધક્કા
- હોસ્પિટલ્સ અને ઝોન ઓફિસ વચ્ચે સંકલનના અભાવે પીડાઈ રહ્યા છે લોકો
સુરત: રાજ્ય સરકાર દ્વારા મરણનો દાખલો ( Death Certificate ) સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે 'ઈ ઓળખ પોર્ટલ' શરૂ કર્યા બાદ પણ લોકોની સમસ્યાઓ દૂર થઈ નથી. શહેરમાં ETV Bharat દ્વારા કરવામાં આવેલા Reality Check માં મૃતકો અને તેમાં પણ ખાસ કરીને કોરોના મૃતકોના સંબંધીઓ એક મહિનાથી ઝોન ઓફિસથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઝોન ઓફિસના ધક્કા ખાઈ રહ્યા હોવા છતા તેઓ Death Certificate મેળવી શક્યા નથી.
પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન એપ્રિલ મહિનામાં મારા પિતા પ્રભાકર સોનવણેનું મૃત્યુ થયુ હતું. જ્યારબાદ તેમના Death Certificate માટે હું સરકારી ઓફિસ ગયો હતો. જ્યાંથી મને હોસ્પિટલ દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરાયા બાદ આગળની કાર્યવાહી થશે, તેમ જણાવવામાં આવ્યું. ત્યારબાદ હોસ્પિટલમાં જતા તેમણે ઓનલાઈન એન્ટ્રી કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ જ રીતે હોસ્પિટલથી સરકારી ઓફિસના 3થી 4 ધક્કા ખાધા, તેમ છતા હજુ સુધી Death Certificate મળ્યું નથી. આવા સમયે કચેરીના ધક્કા ખાવામાં પણ ડર લાગે છે. -નરેન્દ્ર સોનવણે, મૃતકના પુત્ર
એક મહિના પહેલા મારા નાની નું સુરત સિવિલ હોસ્પિટલ ( Surat Civil Hospital ) માં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમના Death Certificate અંગે હોસ્પિટલમાં પૂછતાછ કરતા તમામ માહિતી અઠવા ઝોનમાં મોકલી આપી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અઠવા ઝોન ઓફિસમાં જઈને તપાસ કરતા હોસ્પિટલમાંથી કોઈ માહિતી મોકલાઈ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનામાં 2થી 3 વખત સિવિલ હોસ્પિટલના ધક્કા ખાવા છતા હજુ સુધી Death certificate મળ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં જતા પણ કોરોના થઈ જશે, એવી બીક લાગ્યા કરે છે. -પ્રદીપભાઈ, મૃતકના પૌત્ર
તમામ માહિતી સેન્ટ્રલાઈઝ્ડ હોવાથી આંકડા ઉપલબ્ધ નથી
સુરત મહાનગર પાલિકા ( Surat Municipal Corporation )ના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઈ ઓળખ પોર્ટલ પર તમામ હોસ્પિટલ્સને યુનિક આઈ.ડી આપવામાં આવ્યા છે. જેના પર મૃત્યુ પામતા દર્દીઓની વિગતો નાંખવાની હોય છે. ઓનલાઈન એન્ટ્રી થયા બાદ જે તે ઝોનમાં મૃતકોની વિગતો અને દસ્તાવેજોની ચકાસણી થયા બાદ તેને ફરીથી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જ્યારબાદ હોસ્પિટલ પોતાની આઈ.ડી. થી મૃતકોની તમામ માહિતી ભરી દે છે. આ પ્રક્રિયા થયા બાદ મૃતકનું Death Certificate તૈયાર થઈ જાય છે. જે ઓનલાઈન મેળવી શકાય છે અથવા તો ઝોન ઓફિસ પર જઈને પ્રિન્ટ કઢાવી શકાય છે. તમામ માહિતી સેન્ટ્રલાઈઝ્ડ હોવાથી સુરતના આંકડા ઉપલબ્ધ નથી. અત્યાર સુધી પોર્ટલમાં કોઈ ક્ષતિ આવી હોવાની ફરિયાદ સામે આવી નથી."