- સી. આર. પાટીલે હોસ્પિટલ પહોંચી જાણ્યું દર્દીના પરિવારનું દુ:ખ
- જીવન રક્ષક રેમડેસીવીરના 5000 ઇન્જેક્શન સુરત લાવવામાં આવશે
- 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પણ કરી મૂલાકાત
સુરત: કોરોના વિસ્ફોટના કારણે સુરતની સ્થિતિ દયનીય બની છે. અહીં રોજ 800થી વધુ કરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતના નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવી પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર કોરોનાના દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને પરિવારજનો એકબીજા સાથે વીડિયો કોલ કરી શકતા નથી એવી સ્થિતિ છે. જેથી તેમણે ત્યાં જ એક દર્દીને વીડિયો કોલ કરાવી પરિજન સાથે વાત પણ કરાવી હતી અને આશ્વાસન આપ્યું હતું કે, પરિવારજનોની આ સમસ્યાનો નિકાલ લાવશે, જીવન રક્ષક રેમડેસીવીરના 5000 ઇન્જેક્શન સુરત લાવવામાં આવશે અને વધુ બેડ પણ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ
સી. આર. પાટીલે લીધી હોસ્પિટલની મૂલાકાત
કોવિડ હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓના પરિવારજનો સાથે મુલાકાત લીધી હતી અને તેમને પડતી હાલાકી અંગેની ચર્ચાઓ પણ કરી હતી. એટલું જ નહીં, ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સના તમામ કર્મચારીઓને મળીને તેમની સાથે પણ વાર્તાલાપ કરી તેમની સમસ્યા જાણવાની પણ કોશિશ કરી હતી. ત્યારે પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોને હાલાકી ન થાય તે માટે કટિબદ્ધ છે. ઉપરાંત, ઇન્જેક્શન અને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવામાં આવ્યો છે. લોકોની મૂશ્કેલી જાણવા માટે તેઓ કોવિડ હોસ્પિટલ પહોંચ્યા હતાં.
આ પણ વાંચો:બોડેલી ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો