- સુરત તક્ષશિલા અગ્નિકાંડના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો
- આરોપીના 26 ડિસેમ્બર સુધી વચગાળાના જામીન મંજૂર થયા હતા
સુરત : શહેરના સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં આરોપી બિલ્ડર દિનેશ વેકરીયાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વચગાળાના જામીનની સમય મર્યાદા કોર્ટ દ્વારા વધારવામાં આવી છે. આ અંગે આરોપી દિનેશ દ્વારા કોર્ટમાં કરાયેલી અરજી બાદ કોર્ટે તારીખ 11 જાન્યુઆરીના રોજ જેલ તંત્ર સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.
ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
સમગ્ર દેશને હચમચાવી દેનાર તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક બાદ એક આરોપીઓની ધરપકડ કરાઇ હતી. જેમાં સરકારી અધિકારીનો પણ સમાવેશ છે. આ સાથે કોમ્પ્લેક્સ બનાવનાર બિલ્ડર દિનેશની કાનજી વેકરીયા પણ ધરપકડ ફેબ્રુઆરી મહિનામાં ધરાઇ હતી. ધરપકડ બાદ તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બિલ્ડરના રેગ્યુલર જામીનની માંગને સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી.
કોર્ટે 26 ડિસેમ્બર સુધી વચગાળાના જામીન શરતોને આધીન મંજૂર કર્યા હતા
5 ડિસેમ્બરના રોજ આરોપી બિલ્ડર દિનેશ વેકરીયાના માતાનું નિધન થતાં અંતિમક્રિયા માટે 21 દિવસના જામીનની માંગણી કરતી અરજી કોર્ટમાં કરી હતી. કોર્ટે 26 ડિસેમ્બર સુધી વચગાળાના જામીન શરતોને આધીન મંજૂર કર્યા હતા. આ દરમિયાન 21 ડિસેમ્બરે આરોપી દિનેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે ઘરે હોમ કોરેન્ટાઇન થઈ ગયા અને સારવાર શરૂ કરી છે.
10 જાન્યુઆરીએ જેલ તંત્ર સમક્ષ હાજર થવાનો આદેશ
આરોપી દિનેશ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી કે, કોવિડ ગાઇડલાઇન મુજબ 14 દિવસ હોમ કોરેન્ટાઇન હોવાથી ઉપરાંત 26 ડિસેમ્બરે જામીનની અવધી પુર્ણ થાય છે ત્યારે જેલમાં હાજર થઇ શકે તેમ નથી. જેથી કોર્ટે આદેશ આપ્યા છે કે, 10 જાન્યુઆરી સુધી જેલ તંત્ર સામે તેઓ હાજર થઈ જાય.