સુરત મહાનગર પાલિકા કચેરીમાં આશરે 600 જેટલા સફાઈ કર્મચારીઓ કાયમી તરીકેની ફરજ બજાવે છે. જે શહેરના અલગ અલગ સંકલિત વોર્ડ ઓફીસ પ્રમાણેની કામગીરી બજાવે છે. જો કે ભુતકાળમાં સફાઈ કર્મચારીઓ દ્વારા અવારનવાર ગેરહાજર રહેવાની ફરિયાદો સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને મળતા આખરે બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લાવવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. જ્યાં આ સિસ્ટમનો કાયમી સફાઈ કામદારોએ વાંધો ઉઠાવ્યો છે. જેમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમમાં કામદારોને વચ્ચેનો રસ્તો કાઢી અન્ય વિકલ્પ આપવામાં આવે તેવી માંગ સાથે શનિવારે ગુજરાત ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
સુરતના ચોક બજાર ચાર રસ્તા ખાતેથી નીકળેલી રેલી પાલિકાની મુખ્ય કચેરી પોહોંચી હતી. રેલીમાં આશરે પાંચસો જેટલા કામદારો જોડાયા હતા અને કચેરી બહાર જ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી બાયોમેટ્રિક પદ્ધતિ ,ભરતી પ્રક્રિયા સહિત છૂટા કરાયેલ કામદારોના પ્રશ્નો અંગે રજુવાત કરવામાં આવી હતી. જો માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગુજરાત ભારતીય મજદૂર સંઘ દ્વારા ઉચ્ચારવામા આવી છે.
આ સિવાય નવી ભરતી અને વર્ષો જુના કામદારોને છુટા કરવામાં આવ્યા હોવાની માંગ સાથે કુલ 23 જેટલી રજુવાત છે. જે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગુજરાત ભારતીય મજદૂર મહાસંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.