- કોરોનાની ત્રીજી લહેરને લઈને સુરત IMA ના વાઇસ પ્રેસિડન્ટ સાથે ખાસ વાતચીત
- ત્રીજી લહેરમાં શહેરમાં 5 હજાર જેટલા બેડની જરૂરિયાત ઉભી થઈ શકે છે
- બાળકો પર જોઈએ તેટલી અસર નહીં, તેમ છતાય તમામ પરિસ્થિતિને પહોંચી વળીશું
સુરત : દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) માં કેસ નોંધાવાના ઓછા થઈ રહ્યા છે. આ વચ્ચે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) ને લઈને નિષ્ણાતો દ્વારા આગાહી આપવામાં આવી છે. જેને લઈને ETV Bharat એ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA) સુરતના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ડો. દિપક ચોરાવાલા સાથે કરાયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન 5 હજાર બેડની જરૂરિયાત ઉભી થઈ શકે છે પરંતુ આ લહેરમાં બાળકોને વધારે અસર નહીં પડે કારણ કે ભારતભરમાં થયેલા એક સંશોધન પ્રમાણે, 40થી 50 ટકા બાળકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગયા છે.
આ પણ વાંચો - આયુર્વેદથી કોરોનાની સારવારમાં ફરક પડતો હોય તો સરકાર પુરાવા રજૂ કરે : IMA
જો કોઈ નવો વેરિયન્ટ આવે તો ત્રીજી લહેર જલદી આવશે
ડો. દિપક ચોરાવાલાના જણાવ્યા પ્રમાણે, કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) ને લઈને કોઈ અનુમાન લગાવવું મુશ્કેલ છે. હાલમાં વેક્સિનેશન ડ્રાઈવ (Vaccination Drive) ચાલી રહી છે. સરકાર અને અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ દ્વારા કોરોનાના જે આંકડાઓ મળી રહ્યા છે, તે જોઈને લાગતું નથી કે, બીજી લહેર જેવી ગંભીર પરિસ્થિતિ ત્રીજી લહેરમાં સર્જાશે, પરંતુ ભારતમાંથી મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) ની જેમ અન્ય કોઈ વેરિયન્ટ સામે આવે તો કોરોનાની ત્રીજી લહેર જલ્દી આવી શકે તેમ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA) દ્વારા કોરોનાના પ્રથમ દિવસથી જ સંકલન સાધીને કામગીરી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પરિસ્થિતિ સર્જાય તેના માટે આ પ્રકારે જ કામગીરી કરવામાં આવશે.
દરેક વેરિયન્ટની સંક્રમણશક્તિ અને લક્ષણો જુદા જુદા હોય છે
ડો. દિપક ચોરાવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોરોનાના કેસમાં ઘણો ફરક જોવા મળ્યો છે. જુદા જુદા વેરિયન્ટની સંક્રમણશક્તિ તેમજ લક્ષણો પણ જુદા જુદા હોય છે. કોરોનાની બીજી લહેર વખતે નવા આવેલા વેરિયન્ટ અંગે તંત્રને પણ કોઈ જાણકારી ન હતી. જેના કારણે જ બીજી લહેર પ્રથમ લહેર કરતા ગંભીર હશે અને ઓક્સિજનની માગ વધશે તે વાતથી તંત્ર વાકેફ ન હતું. જો કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) ને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કોરોનાની ત્રીજી લહેરમાં સુરતમાં 5 હજાર બેડની જરૂરિયાત ઉભી થઈ શકે છે.
આ પણ વાંચો - લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ
વેક્સિન એ જ ઉપાય
વેક્સિનના બન્ને ડોઝ પૂર્ણ થયા બાદ અમુક મહિનામાં જ શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘટી જાય છે. આ અને આના જેવી અનેક મૂંઝવણને લઈને ડો. ચોરાવાલાએ જણાવ્યું હતું કે, શરીરમાં વેક્સિનને લઈને મેમરી રહેશે અને જ્યારે ઈન્ફેક્શન થશે ત્યારે મેમરી કામ કરીને તમને કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું છે, તે જાતે જ શીખવાડી દેશે પરંતુ લોકોએ વેક્સિન ફરજિયાત લેવી જોઈએ અને માસ્ક પણ પહેરીને રાખવા જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો - કોરોનાની ત્રીજી લહેરમાં આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ
40થી 50 ટકા બાળકોમાં એન્ટીબોડી, MIS-C માટે પણ સજાગ
ડો. દિપકના જણાવ્યા પ્રમાણે, કોરોનાની પ્રથમ લહેરમાં સિનિયર સિટિઝન્સને સૌથી વધારે અસર પડી હતી. બીજી લહેરમાં મધ્યમ ઉંમરના યુવાઓને સૌથી વધારે અસર પડી. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) માં બાળકોને સૌથી વધારે અસર પડશે. જોકે, દેશભરમાં રેન્ડમલી સીરો કન્વર્ઝન એન્ટીબોડી ટેસ્ટીંગ થયું છે, તેમાં 40થી 45 ટકા બાળકોમાં એન્ટીબોડી હોવાનું સામે આવ્યું છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બાળકો માટે પૂરતા બેડ તૈયાર છે. જેના પરથી કોઈ પણ પરિસ્થિતિમાં ત્રીજી લહેરને પહોંચી વળીશું. આ સિવાય બાળકોમાં કોરોના બાદ જોવા મળતા MIS-C રોગ માટે પણ પૂરતી તૈયારીઓ છે.